ફેસબુકને ફાલતુ સમજી નાકનું ટીચકું ચડાવનારને પોતાનાં વિચારો બદલવા પડે તેવું અઘરું અને અશક્ય કામ જીદ્દી નિવાબહેને કરી બતાવ્યું છે. સાવ અજાણ્યા, માત્ર ભારતનાં જુદા જુદા પ્રાંતમાં રહેતાં લોકો જ નહીં દરિયાપારના લોકો પણ નાતજાત કે ઉંમરભેદનાં કારણોને કોરાણે મૂકી નિવાબહેને માંડેલા એક ભગીરથ કાર્યને અંજામ આપવા ખુશી ખુશી જોડાયા અને પંચાવન લેખકોના હસ્તે લખાયેલી કથાકડી-પંચાવન તૈયાર થઈ જેને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળી ચૂક્યું છે. ફેસબુક દ્વારા જોડાઈને એક ક્થાબીજને નવલકથાનું સ્વરૂપ આપવું તે તો માત્ર નિવાબહેન જ વિચારી શકે. એમનાં શમણાભવનની આધારશિલા કહી શકાય તેવા અશ્વિનભાઈ, અજયભાઇ, આશિષભાઇ, વત્સલભાઈ, જહાન્વીબહેને તથા ટીમનાં અન્ય સદસ્યોએ એમને ડગલે પગલે સાથ આપી એમનો ઉત્સાહ જાળવી રાખ્યો. એવી નિવાબહેનની ટીમ શબ્દાવકાશની એક સભ્ય હોવાનું મને ગૌરવ છે.

એમની ઓળખાણ પ્રતિલિપીના માધ્યમથી થઈ. એમના દોષિણી અને સમર્થિણી  પ્રોજેકટમાં પણ વાર્તા લખી. એ હતો પરોક્ષ પરિચય. એક દિવસ મેસેન્જરમાં એમનો મેસેજ હતો. એમની સાથે જોડાઈ, માત્ર ફોર્ટી-પ્લસ સ્ત્રીઓ દ્વારા લખાઈ રહેલી બીજી કથાકડી જીવનરંગમાં વાર્તા લખવામાં રસ હોય તો લખવા કહ્યું. આપણા રામ તો તૈયાર થઈ ગયા. એ પૂરી થવા આવી અને તેમનો ફોન આવ્યો. મારે કથાકડીની ચોપ્પનમી કડી લખવાની હતી. મેં તે બીડું સ્વીકારી લીધું. હા, બીડું જ કારણ મારે આગલાં ત્રેપપન એપિસોડ વાંચવાના અને પછી મારો એપિસોડ લખવાનો હતો. આ સમયે અશ્વિનભાઈ વહારે આવ્યા એમણે મને એકથી ત્રીસ એપિસોડનો સારાંશ વાંચી લેશો તો ચાલશે કહ્યું. એ સારાંશ અને બાકીનાં એપિસોડ વાંચ્યા બાદ હું લખવા તૈયાર થઈ ગઈ. અશ્વિનભાઈને સમયેકસમયે હેરાન કર્યા છતાં એમણે હસતાં મોંઢે હમેંશા મને માર્ગદર્શન આપ્યું. અશ્વિનભાઈ આપનો આભાર…

તો પ્રસ્તુત છે મારી ચોપ્પનમી કડી.

10344805_10205605785039909_2472898309680241956_n

 

વિષ્ણુને હવે આઈ.સી.યુ.માંથી સ્પેશિયલ રૂમમાં ટ્રાન્સફર કરવામાં આવતાં, સ્નેહાને અંગત અટેન્ડનટ તરીકે વિષ્ણુની નજીક રહેવાનો લહાવો મળી ગયો. હા, લહાવો જ, કેમ કે જીવના જોખમે અદ્દભુત પરાક્રમ કરી સ્નેહાને બબ્બેવાર મોતનાં મોંમાંથી બચાવી વિષ્ણુએ તેનાં દિલમાં ખાસ જગા બનાવી લીધી હતી. એ તેનાં માટે સુપર હીરો બની ગયેલો. ઉપકારવશ કહો કે ગમે તે, તેનાં જીવનદાતાની સેવા કરવા તે કટિબધ્ધ હતી.

સ્નેહા, પૂરી એકાગ્રતાથી વિષ્ણુની માવજત કરી રહી હતી. તેને ત્યારે તો એટલી જ ખબર હતી કે વિષ્ણુએ પોતાની જાનના જોખમે તેની પર થયેલાં એટકથી બચાવી હતી. બસ એ જ ઉપકારવશ તે ખડેપગે વિષ્ણુની સેવા કરી રહી હતી. એક સ્ત્રી હોવાને નાતે નર્સિંગનો ગુણ જન્મદત્ત મળેલો જ હતો એટલે તેની દરકારમાં કોઈ કરતાં કોઈ કચાસ નહોતી. દિવસે દિવસે વિષ્ણુની તબિયત સુધરતી જતી હતી અને હવે ડોક્ટરે પણ વહેલી તકે હોસ્પિટલમાથી રજા આપવા બાબત લીલી ઝંડી બતાવી દીધી હતી. સ્નેહાનાં આ સુપરહીરો, નીલી આંખોવાળાનું સંમોહન એવું તો ગજબનું હતું કે તે ચાહે તો પણ તેનાથી દૂર રહી શકતી નહોતી. હવે પ્રાઈવેટ નર્સનું કામ બહું ઓછું થઈ ગયું હતું, સ્નેહા હતી ને ! વિષ્ણુની તબિયતમાં થઈ રહેલો સુધારો સ્નેહાને ઘડી ઘડી વ્યથિત કરી મૂકતો હતો, હવે વિષ્ણુથી જુદા પડવાની ક્ષણ ધીરે ધીરે નજીક આવતી જતી હતી. તેનાં તરફની સ્નેહાની નફરતે ક્યારે કુણી લાગણીનું સ્થાન લઈ લીધું તે એને ખબર જ ન પડી.

કામદેવ જેવું સંમોહક વ્યક્તિત્વ ધરાવતાં વિષ્ણુનો અછડતો સ્પર્શ પણ થઈ જતો ને સ્નેહાનાં તનબદનમાં ઝણઝણાટી ફેલાઈ જતી ને તે સ્વપ્નલોકમાં પહોંચી જતી. એ સૂતો હોય ત્યારે તેનાં માસૂમ ચહેરાને એકટક જોયા કરતી, જાણે કોઈએ સ્ટેચ્યુ કહી દીધું હોય એમ…તેનાં માથે હાથ ફેરવતી ત્યારે પોતે જ વિષ્ણુ પ્રત્યેની પોતાની મમતાનો અહેસાસ કરતી. તેને પલંગ પર બેઠા થવામાં સહાય કરતી વેળાએ તેનાં મજબૂત ખભાને પોતાના બંને હાથમાં સમાવતી ત્યારે કંઈક અલગ જ રોમાંચ અનુભવતી. સુપ પીવડાવવાનું હોય કે જમાડવાનો હોય, દરેક કામ સહજતાથી કરી લેતી જાણે વિષ્ણુને વર્ષોથી ઓળખતી ન હોય ? વિષ્ણુની સેવા ચાકરીમાં પોતાની ઊંઘ, ભૂખ આરામને વિસરી બેઠેલી. ઘણીવાર તો ડ્રાઈવર સાથે આવેલું ટિફિન પણ ખોલવાનું ભૂલી જતી ત્યારે વિષ્ણુ તેને જમવાનું યાદ કરાવતો, સ્નેહા આનાકાની કરતી તો વિષ્ણુ પોતાના સમ દઈને પરાણે જમવા મોકલતો. પેશન્ટનાં રૂમમાં જમવાની છૂટ ન હોવાથી તેને ગેસ્ટરૂમમાં જમવા જવું પડે, કોણ જાણે કેમ ? વિષ્ણુથી દૂર જવું ન ગમતું. તેને થયું વિષ્ણુ તેની કેટલી કાળજી કરે છે જ્યારે રોહન તો એકવાર પણ મોઢું દેખાડવા ખાતર નથી આવ્યો ! સાંજે સાંજે વીઝીટીંગ અવર્સમાં સપના આવતી ત્યારે પણ વિષ્ણુ સ્નેહાની ફરિયાદ કરતો, આંટી, સ્નેહા મારી દેખરેખ કરવામાં પોતાના તરફ બિલકુલ ધ્યાન નથી આપતી. જરા સમજાવો એને. નાનપણથી જ પોતાનું ધાર્યું કરવા ટેવાયેલી સ્નેહાને કોઇની વાત સમજવાના હોંશ જ ક્યાં હતા ?

“સ્નેહા, આપણો કોઈ જ સબંધ ન હોવા છતાંયે તે આટલા પ્રેમથી મારી માવજત કરી તેનો ઉપકાર હું કેમ કરીને વા…….”વિષ્ણુ આગળ બોલે તે પહેલાં સ્નેહાએ તેનાં મોં પર હાથ મૂકી દીધો.
“તો તે દિવસે કયા સબંધે મોતના મોંમાં કૂદી પડેલો ? શા માટે મને બચાવી ? હું તારી શું સગી થતી હતી ?”
“સ્નેહા, સાચું કહું તો તારે આ સમયે રોહન પાસે રહેવું જોઈએ. તું અહીં જ રહી પડી છે તો રોહન તારા પર ગુસ્સે નહીં થાય ?”

વાત બદલાવી નાખતાં સ્નેહાએ તેનાં હાથમાં દવા અને પાણીનો ગ્લાસ પકડાવી દીધાં, ને નજર બચાવતી હોય તેમ આડું જોઈ ગઈ. પછી ત્યાનાં મીની ફ્રીજમાંથી એપલ લઈ છોલી ટુકડા કરી ફોર્કની મદદથી વિષ્ણુને ખવડાવવા લાગી. વિષ્ણુ ખાવામાં પરોવાયો અને સ્નેહા રોહનનાં વિચારે ચડી ગઈ. ‘મારા પર આટલો મોટો જીવલેણ હુમલો થયો છતાંય એ રોહનિયાનાં પેટનું પાણીયે ન હાલ્યું. મને જોવા ન આવ્યો તેય ચલાવી લઉં, પણ એણે આ ભલા માણસનો ઉપકાર માનવા તો આવવું જ જોઈતું હતું. રોહન આટલો કૃતઘ્ન હશે તેની તો મને કલ્પના જ નહોતી. શું રોહન ખરેખર મને પ્રેમ કરતો હશે ? એવું તો કેવું કામ કરે છે કે એક ફોન પણ નથી કરી શકતો. ક્યાં જાય છે ? ક્યારે આવશે અને ક્યો મોટો કારભાર કરી રહ્યો છે તે પણ મને કહેતો નથી. ખતરો તો મારી જાન પર છે પણ અંડરગ્રાઉંડ પોતે થઈ ગયો છે.’ રોહનનાં વિચારો તેનો પીછો નહોતાં એટલે અંતિમ ઉપાય તરીકે તેણે રોહન સાથે વાત કરી લેવાનું વિચાર્યું. અનેક વાર ફોન લગાડ્યા પછી પણ તેનો ફોન સ્વિચ ઓફ આવતાં કંટાળીને તે ફરી વિષ્ણુનાં બેડ પાસે આવી નજીક પડેલાં સ્ટુલ પર બેસી ગઈ. વિષ્ણુને કદાચ ઝોકું આવી ગયેલું. તેણે પણ ત્યાં બેઠા બેઠા જ વિષ્ણુનાં બેડ પર માથું ઢાળી દીધું અને ઉંઘમાં સરી ગઈ. ઘણીવાર સુધી સૂતી હશે, નર્સના સેન્ડલનાં ટપ ટપ અવાજે તેની આંખો ખૂલી ગઈ ત્યારે જુએ છે તો વિષ્ણુની આંગળીઓ તેના વાળમાં ફરી રહી હતી, તેને વિષ્ણુનો એ મૃદુ સ્પર્શ ગમી ગયો અને ફરી આંખો બંધ કરી દીધી.

“મેડમ, રાતનાં ઉંઘ નહોતી આવી કે શું ? તમારા માટે વિષ્ણુજીએ કોફી મંગાવી છે, થોડું ફ્રેશ થઈ જાવ હમણાં આવતી જ હશે, ત્યાં સુધી હું પેશન્ટનું બી.પી.ચેક કરી લઉં પછી એમને આજે થોડું ચલાવવાના પણ છે, તમને ખબર છે ને ?”

“ઓકે ઓકે…. હું વૉશરૂમ જઇ આવું…હમણાં પછી એમને પા પા પગલી કરાવીએ” બોલતા વિષ્ણુની સામે જોઈ હસી પડી. વિષ્ણુએ પણ વળતું મીઠું સ્માઇલ આપ્યું. તેને પ્રસન્ન મુડમાં જોઈ સ્નેહા પણ ખુશ થઈ કોઈ ફિલ્મી ધૂન ગણગણતી વોશરૂમમાં દોડી ગઈ. આંખો પર પાણીની છાલક મારી ઊંઘને ભગાડી. ચહેરો લુછતાં લુછતાં તેનું ધ્યાન પોતાના ચહેરા તરફ ગયું. છેલ્લા થોડા દિવસના ટેન્શનમાં તેની આંખો ફરતે કાળા કુંડાળાં થઈ ગયાં હતાં, સ્વગત જ બોલી કે ‘મોમ પાસે અંડર આઈક્રીમ મંગાવવું પડશે’ તે ઘડીભર માટે પોતાને જોતી ત્યાં જ ઊભી રહી અને વિષ્ણુ વિશે વિચારવા લાગી કે ‘વિષ્ણુ મારી કેટલી દરકાર કરે છે ! હું જમી કે નહીં, બરાબર સૂતી કે નહીં ? બધા હિસાબ રાખે છે અને પેલી તરફ રોહન માત્ર પ્રેમી હોવાનો આભાસ કરાવે છે.’

“સ્નેહા….. ક્યાં રોકાઈ ગઈ ? તારી કોફી ઠંડી પડી જાય છે.”
“આવી…આવી..એક સેકંડમાં આવી…” કહેતી વિષ્ણુની સામે આવી ઊભી રહી. વિષ્ણુની દવાનો સમય થયો હતો એટલે તેને દવા ખવડાવી, પોતે ગરમ ગરમ કોફી પીને તાજગીનો અહેસાસ કરવા લાગી, એકદમ સ્ફુર્તિથી વિષ્ણુ પાસે આવી કોલનનું ટીશ્યુ તેનો ચહેરા પર ફેરવી, માથા પર કાંસકો ફેરવી બોલી,”ચાલો વિષ્ણુબાબા હવે હોસ્પિટલનાં કોરિડોરમાં ઘુમી ઘુમી કરીશું ?”

વિષ્ણુ બેડ પરથી ઉતરવા ગયો પણ ઉભા રહેવામાં સમતોલન ન રહેતાં, નર્સ અને સ્નેહાની સહાયથી ઉભો થયો અને સ્લીપઓન પહેરી કોરીડોર તરફ ડગ માંડ્યા, લાંબા સમય પછી ચાલતો હોવાથી ધીરે ધીરે ચાલી રહ્યો હતો, પણ મનોબળ મજબૂત હોવાથી ચાલવાની સ્પીડમાં થોડીવારમાં જ સુધારો થયો. ક્યારે નર્સનો હાથ છોડી સ્નેહાનાં હાથ પકડી ચાલવા લાગ્યો ખબર જ ન પડી. હાથનાં મધુર સ્પંદનોએ હૈયા સુધીની સુહાની સફર આદરી દીધી હતી, જેનાથી આ બે જુવાન હૈયા બેખબર હતાં. બંનેને એકબીજાનો સહવાસ ગમવા લાગ્યો હતો…….બંનેની વચ્ચે રોહન નામની એક અદ્રશ્ય દીવાલ હતી જેને ભેદવી મુશ્કેલ જ નહીં નામુમકીન હતી. રોહનમાં નાદાનીની સાથે ખુન્નસ પણ ઠાંસી ઠાંસીને ભરેલું.

ના ના કરતાં દસની બદલે પંદર મિનિટ જેટલું વિષ્ણુને ચલાવ્યો હશે. નર્સના અવાજે એમની એકાત્મતામાં ખલેલ પહોંચાડી. પહેલો જ દિવસ હોવાથી નર્સે વિષ્ણુને રૂમમાં જઇ આરામ કરવા કહ્યું. બંને રૂમમાં આવ્યાં. વિષ્ણુ આંખો મીંચી બેડ પર આડો પડ્યો ને સ્નેહા બારી પાસે ઉભી રહી બહારની દુનિયા સાથે તાલમેલ મિલાવવાની કોશિશ કરવા લાગી પણ વ્યર્થ જ. દિલોદિમાગમાં વિષ્ણુનાં સ્પર્શની હુંફ પ્રસરી ગઈ હતી, વિષ્ણુનું ઠરેલપણું કદાચ તેની ઉંમરને આભારી હશે તે તેને ગમવા લાગેલું. અનાયાસે જ તેની સરખામણી રોહન સાથે થઈ ગઈ. રોહન કેટલો બેજવાબદાર કહેવાય ? તે મને ફોન નથી કરતો કે મળવા પણ નથી આવતો. હમેંશા બીઝી છું, બીઝી છુંના ખોટા બહાના બતાવે છે ને હજી સુધી મને સ્પષ્ટરૂપે ખબર પણ પાડવા નથી દીધી કે ભાઈ હોય છે ક્યાં આખો આખો દિવસ ? ગમે તે કામ કરતો હોય પણ પોતાની વાગ્દત્તા માટે સમય ન કાઢી શકે ? પોતાની જ નાદાનીને લીધે રોહન જોડે સંસાર માંડવાના સપના જોવાની કેટલી મોટી ભૂલ કરી બેઠેલી. આજે તે જિંદગીના એવા ત્રિભેટે આવી ઉભી છે કે સદંતર દિશાભાન ભૂલી ગઈ છે. તેની જિંદગી જાણે એક કોયડો બનીને રહી ગઈ છે. આવું કેમ થાય છે રોહનને યાદ કરવા જાઉં છુ તો મનોજગતનાં પરદા પર વિષ્ણુનું નામ કેમ ઝબક્યા કરે છે ? કંઇ સમજ ન પડતાં વિષ્ણુ પાસે આવી બેસી ગઈ. વિઝિટર્સ અવર્સ ચાલુ થતાં, સપના અને વ્યોમા આવી ગયાં. હવે ધીરે ધીરે વિષ્ણુનો હુંકાર શાંત થવા લાગેલો એટલે વ્યોમા,સપના અને સ્નેહાની વાતમાં રસ લેવા લાગ્યો, તે સ્નેહાને ગમ્યું પણ ખરું.

બીજે દિવસે દસ વાગે ડોકટરનો રાઉન્ડ પતી ગયા પછી વિષ્ણુ ઝોકે ચઢી ગયો ને સ્નેહા, મેગેઝીન લઈ ઉથલાવા લાગી, હજી તો એક બે પાનાં જ જોયા હશે ત્યાં તો ક્રાઇમ બ્રાન્ચ ઓફિસર, સર દિગ્વિજયસિંહજી તેમનાં આસિસ્ટન્ટ જોડે આવી રૂમના દરવાજે ટકોરા મારી રહ્યા હતાં. વિષ્ણુને ડિસ્ટર્બ ન થાય એટલે તે જ ઉઠીને સામે ગઈ અને ગુડ મોર્નિંગ કહેતી કોરીડોરમાં મુકાયેલાં સોફા તરફ દોરી ગઈ.

“કહો સાહેબ, આજે હોસ્પિટલ સુધી કેમ લાંબુ થવું પડ્યું ?”
“જુઓ, મિસ સ્નેહા, તમારી ઉપર ખતરનાક હુમલો થયો એટલે તમને પૂરતું પ્રોટેકશન અપાયું જ છે. અમારા ગુપ્તચરો પણ હોસ્પિટલની આજુબાજુ ગોઠવાયેલા છે, તેથી તમે નચિંત પણે હું જે પૂછું તેનો સાચા અને માત્ર સાચા જવાબ આપી અમને સહકાર આપજો. તમે હોસ્પીટલમાં છો એટલે કોઈ પ્રસ્તાવના કર્યા વગર જ હું મુદ્દાની વાત કરીશ.”

“જી બિલકુલ, પૂછી શકો છો… મને જે ખબર હશે તે હું તમને ચોક્કસ જણાવીશ.” સ્નેહાએ પણ દિગ્વિજયની આભાથી અંજાયા વગર વિશ્વાસપૂર્વક પોતાની સંમ્મતિ દર્શાવી.
“તો તમે જણાવી શકશો કે રોહન અમિત દેસાઇને સૌ પહેલાં ક્યાં મળેલાં ?”
“હા, એ તો એડિસનમાં મારી જ યુનિવર્સિટીમાં ભણતો હતો….”તે એટલું બોલી ચૂપ થઈ ગઈ.
“બસ…એટલું જ. તમે બંને ઈન્ડિયન્સ, વતનથી દૂર…એટલે કંઈક પરિચય તો થયો જ હશે ને ?”
સ્નેહાની ચુપ્પી જોઈ દિગ્વિજય અકળાયો….અવાજમાં થોડી કરડાકી લાવી બોલ્યો, “જુઓ મિસ. સ્નેહા, તમે મને જે જણાવશો તેમાં આડકતરી રીતે તમે પોતે જ તમને પોતાને મદદ કરશો. નહીં તો અમારી ભાષા કે રવૈયો અજમાવી ભલભલા પાસેથી વાતો કઢાવતાં મને આવડે છે, આ તો તમે સ્ત્રી છો એટલે..”

“હા, હું અને રોહન એડિસનમાં પહેલીવાર જ મળ્યા, મારે ઘણાં મિત્રો હતા એમાં આ રોહન ખાસ દોસ્ત હતો. પોતાના વતન અને ઘરથી માઈલો દૂર, યુ.એસની ફ્રી લાઈફસ્ટાઇલને લીધે અમે દોસ્તમાંથી ક્યારે પ્રેમી બની ગયા ખબર જ ન પડી. રોહનને ઘણીવાર ઈન્ડિયા આવવાનું થતું, હું તો ત્યાં જ રહેતી. અચાનક મારે પણ ઈન્ડિયા આવવાનું થતાં અમારે મળવાનાં સંજોગો વધવા લાગ્યાં.”
“એડિસનમાં મળતાં એવી જ રીતે મળતાં ?”
“ના, રોહન પોતાનાં બિઝનેસમાં બીઝી રહેતો હોવાને કારણે બહુ મળાતું નહીં.”
“તમારે ફોનથી તો વાતો થતી જ હશે ને ?” “
“ના સર, એટલી બધી નહીં… રોહન, હમેંશા ટેન્શનમાં રહેતો હોવાથી વાત કરવાનું ટાળતો એવું મને લાગતું.”
“કેમ ? તમને ક્યારેય નવાઈ ન લાગી ?
“લાગતી પણ હમણાં આ ઘટના બની ગઈ તેમાં હું અટવાયેલી છું તેથી એ વિશે બહુ વિચાર્યું નહીં.
“તમને રોહનની વર્તણુકમાં કોઈ ફરક દેખાય છે ? એટલે કે એનાં બોલવા ચાલવામાં ?”
થોડું વિચારી સ્નેહા બોલી, “હા હું યુ.એસ.થી આવી છું ત્યારથી, એ બહુ અતડોઅતડો રહે છે. ત્યાં મને મળવાની જેટલી ઉત્તકટતા હતી તેની દસમાં ભાગની પણ જતાવતો નહોતો. ત્યાં હતી તો તેના ફોન લાંબા લાંબા ચાલતાં… ઈન્ડિયા આવી છું ત્યારથી એણે મને માંડ એક કે બે ફોન કર્યા હશે. હું કરું તો પણ બહુ ઉતાવળમાં હોય તેમ ફોન કટ કરી દે છે. મળવાની પળો તો જ્વ્વલે જ આવી છે, ત્યારે પણ ખપ પૂરતું બોલતો, અમેરીકાનો મારો વાચાળ રોહન અચાનક આવો મીંઢો કેવી રીતે થઈ ગયો એ જ હું વિચારતી હતી. આટલી મોટી ઘાત ગઈ તો પણ મને મળવા ન આવ્યો કે મને બચાવનારને ….”. બોલતાં બોલતાં સ્નેહાની આંખોમાં ભીનાશ તરી આવી. “શું થયું છે ? સાહેબ, રોહન વિશે આટલી ઝીણવટથી પૂછપરછ….?”
“અમને મળેલી બાતમીને આધારે…ઇન્ટરનેશનલ કાવતરાંના ભાગરૂપે કોઈ વગધારી બિઝનેસમેન કે પેધી ગયેલાં રાજકારણીનાં પીઠબળ હેઠળ, દેશને નબળો પાડવાનું જબરું કૌંભાંડ રચાયું છે અને રોહન તેમનો હાથો બની ગયાની શંકાને કારણે તમારી પાસે કોઈ જાણકારી મળે એ હેતુથી જ અહીં સુધી લાંબો થયો છું….” સ્નેહાએ એમને પ્રોસીજર આગળ વધારવા આંખોથી સમ્મતિ આપી.

“હા…તો મિસ સ્નેહા, તમે,રોહનને એડીસનમાં સ્ટડી કરતાં હતાં તે દરમ્યાન મળ્યા હતાં, ખરું ? તમારી ઓળખાણ લગ્નની વાત સુધી પહોંચી ગઈ છે તો તેના પરિવાર, વ્યવસાય વગેરે વિશે માહિતી પણ મેળવી જ હશે એમ ધારી તમને પૂછું છું કે રોહનને એક ભાઈ હતો તેનાં વિશે કંઇ જાણો છો ?”
“હા સાહેબ, રોહનને એક ભાઈ છે જેનું નામ સચિન છે.”
“તમે એને જોયો છે ? મળ્યા છો ક્યારેય ?”
“હા, સચિનની ઘરે જ હું તેને મળી હતી, રોહને જ તેના ભાઈ તરીકે ઓળખ આપેલી. બંને જોડિયા ભાઈઓ છે. એડીસનમાં રોહનનું અપહરણ થયું હતું, હું ખૂબ જ એકલી પડી ગયાનું મહેસુસ કરતી હતી તેથી મોમને મેં યુ.એસ. બોલાવી હતી. જોગાનુજોગ યુ.એસ. આવેલાં યશપાલ અંકલને મળવા, હું અને મારી મોમ, જ્યાં ગયા તે ઘર સચિનનું હતું, ને તે જ સમયે રોહન પણ અપહરણકર્તાઓનાં સકંજામાંથી છટકીને ત્યાં આવી પહોંચેલો. બસ ત્યારે જ હું સચિનને પહેલીવાર મળી અને બંને સગા ભાઈઓ હોવાની જાણ પણ ત્યારે જ થયેલી.”

દિગ્વિજયે તેને રોહન અને સચિનનો ફોટો બતાવતાં તેણે સચિનને ઓળખી બતાવ્યો તેથી તેમનાં મગજમાં એ વાત પર પાકી મહોર લાગી ગઈ કે સચિન સાચું બોલે છે….હવે સ્નેહાને જે વાત કરવાં માંગતા હતાં તે માટે ખુદ દિગ્વિજયે મન મજબૂત કરવું પડ્યું…એટલે થોડીવાર રહીને સ્નેહાના ખભે સહાનુભૂતિપૂર્વક હાથ મૂકી, “જો સ્નેહા બેટા, કાળજું કઠણ કરી વાત સાંભળ….મને ખૂબ જ દુઃખ થાય છે કે આવા સમાચાર આપવાનું કામ મારે ભાગે આવ્યું… ‘રોહન’ હવે નથી રહ્યો,તેની હત્યા કરવામાં આવી છે. ખૂનીએ કોઈપણ સગડ છોડયા વગર સિફતથી પોતાનાં ઘાતકી કુકર્મને અંજામ આપ્યો છે. એ કુકર્મી હજી હાથ લાગ્યો નથી, એટલે કેમ ? શું ? કેવી રીતે ? પ્રશ્નો ન કરતી. અમે પણ એડીચોટીનું જોર લગાવી ટૂંક સમયમાં જ ખૂનીને શોધી લઈશું તે વાત તો નક્કી જ.”

“ઓહહ નો….! ઓહહ ગોડ….ઇટ્સ ઇમ્પોસિબલ ! કહી દો કે તમે મજાક કરી રહ્યા છો…”

જવાબમાં તેમણે પોતાનાં ગળા પર ચીમટી ભરી, સોગંદ ખાવા જેવુ કર્યું. ઘડીબેઘડી માટે તો સ્નેહા આવચક થઈ ગઈ… તેની આંખો ફાટીને ફાટી રહી ગઈ, અને તેની આંખોમાથી અવિરતપણે આંસુઓ વહેવા લાગ્યાં. દિગ્વિજયનો આસિસ્ટન્ટ જે ચૂપચાપ બધું સાંભળી ડાયરીમાં ટપકાવી રહ્યો હતો તેણે સ્નેહાને પાણીનો ગ્લાસ ધર્યો. પાણી પીને સ્વસ્થ થયેલી સ્નેહા, દિગ્વિજયની વાત માનવા તૈયાર જ નહોતી.
“દિગ્વિજયજી આપ શું બોલી રહ્યા છો તમે જાણો છો ? તમે કહો અને હું માની લઉં ? તમારી પાસે કોઈ સાબિતી છે ?” બોલતાં તે ફરી રડી પડી.
દિગ્વિજયે એમની પર આવેલો સંદેશો બતાવી, એમની અંગત નોટ પણ બતાવી જેમાં રોહન લાપતા છે અને ખૂન થયાની બાતમી નોંધવામાં આવેલી…પછી સચિનની પૂછપરછ દરમ્યાન જે વાત થઈ હતી તે વિગતવાર કહી, અને વાતચીત રેકોર્ડ થયેલી તેનાં થોડાઘણાં અંશો પણ સંભળાવ્યા. સ્નેહા, તું જાણતાઅજાણતાં જ કોઈ મોટા કાવતરામાં ફસાઈ ચૂકી છો…પહેલાં રોહન એમના નિશાના પર હતો. એ માસ્ટર માઈન્ડે બહુ જ સિફતથી રોહનનું પત્તું કાપી નાખ્યું છે, અને હવે તેની નજર તારા પર છે, કોઈ ને કોઈ કારણ હશે કે એ લોકો તને ગુમાવવા નથી માંગતા એટલે જ સચિનને રોહનની જગ્યા પર ગોઠવી દીધો છે એવું મારું અનુમાન છે. તારા તરફ સચિન ઉર્ફે રોહનનો વર્તાવ બદલાયેલો લાગતો હતો તેનું પણ આ જ કારણ હશે એવું હું માનું છું. “બી બ્રેવ યંગ લેડી…સંજોગોનો સામનો કરતાં શીખી જા. મારે હવે જવું પડશે, આ કેસ બાબત જ, ખાસ લોકો સાથે ખાનગી મિટિંગ બોલાવી છે, મારો સમય થઈ ગયો….બાય… બેબી… ટેક કેર..”

દિગ્વિજયસિંગને ગયાને ખાસો સમય થઈ ગયો… સ્નેહાને પણ કળ વળતાં વાર લાગી, રોહનનાં મોતના સમાચાર પચાવવા બહુ ભારી પડ્યાં, ક્યાંય સુધી તે સોફા પર ઢળી પડી ને વિતેલાં કલાકોની વાતોનો તાગ લેવા મથી રહી…..

…….’તે વિચારતી હતી વિધિ પણ કમાલ છે, રોહનને મારાથી દૂર કરવો હતો તો તેનો મોહ છોડાવવા મને વિષ્ણુની દેખભાળમાં ઊલઝાવી દીધી…ને એક ઝાટકે રોહનને મારાથી દૂર કરી દીધો…અને મને…મને આ શું થયું છે ? વિષ્ણુ માટે ખેંચાણ અનુભવું રહી છું તે શું છે ? મિત્રતા કે કંઇ વિશેષ ? શા માટે મને ઠરેલ, ગંભીર વિષ્ણુ ગમવા લાગ્યો છે ? આ શાનું આકર્ષણ છે ? શું એ ક્ષણિક છે કે…. મને, મારી તોફાને ચડેલી જિંદગીની નાવને, સમજદારીથી કિનારે લાવી શકે એવા નાવિકની તાતી જરૂર પડી છે ? ઓહ ગોડ…મારી રક્ષા કરો, મને રસ્તો બતાવો…’

રોહન ગયો પણ સ્નેહાની નજર સામે પોતાની આખી જિંદગી મો ફાડીને ઊભી હતી…હવે તેને સચિન પર ગુસ્સો આવવાને બદલે માન થયું. તેણે સપનાને ખાનગીમાં ફોન કરી રોહનનાં સમાચાર આપી દીધાં, સાથે સાથે વિષ્ણુને હમણાં નથી જણાવવું એમ પણ કહી દીધું. હવે વિષ્ણુને તે જુદી નજરથી જોતી હતી, વારે ઘડીએ તેના વર્તનમાં વિષ્ણુ પ્રત્યેની લાગણી છતી થઈ જતી. વાત કરતાં કરતાં અચાનક તેનો હાથ પકડી લેતી ને ક્યાંય સુધી બંને હાથોથી સહેલાવતી રહેતી. તે સૂતો હોય ત્યારે તેની બંધ આંખો પર હળવી ચુમ્મી લઈ લેતી. વિષ્ણુને બધી ખબર પડતી પણ સંકોચને કારણે તે પ્રતિભાવ આપતો નહીં. આમનેઆમ અઠવાડિયું પસાર થઈ ગયું હવે તો બંને પક્ષે વણકહયા પ્રેમનો ઇઝહાર થવાં લાગ્યો, હૈયાની વાત હોઠે આવતાં પહેલાં ટેરવે આવી વસી, ઉભય પક્ષે એકબીજાને કોઈને કોઈ બહાને સ્પર્શવા ટેરવાં આતુર રહેવા લાગ્યાં. એ રોમાંચિત મૃદુસ્પર્શનાં સ્પંદનો કવિતા બની હોસ્પિટલની સ્પેશિયલ રૂમમાં ઘુમરાવવા લાગ્યાં. રાતની એકાંત પળોની રાહ જોવાતી….અછડતો સ્પર્શ હવે અનિવાર્ય બન્યો અને પ્રગાઢ દીર્ઘ ચુંબનને આંબી ગયો. હૂંફાળું સાનિધ્ય માણવા બંને અધીર જીવ તડપી રહ્યાં… પ્રેમનું વશીકરણ ઉતરવા લાગ્યું ત્યારે તેઓ હજી હોસ્પીટલમાં જ છે તે ભાન થયું. ઉન્માદિત ક્ષણો માણ્યા પછી સ્નેહાને થયું કે હવે તેણે રોહનની હત્યા વિશે વિષ્ણુને જણાવવું જોઈએ, રખે ને વિષ્ણુ એના વિશે ગેરસમજ કરી બેસે ! એણે શાંતિથી ધીરે ધીરે રોહનનાં સમાચાર આપ્યાં અને સાથે દિગ્વિજયનાં ઇંકવાયરી મિશન અંગે પણ જણાવી દીધું.

“વિષ્ણુ, ખરેખર તે દિવસે તું મારો મસીહા બનીને ન આવ્યો હોત તો આજે હું પણ….તારો ઉપકાર જેટલો માનું તેટલો ઓછો જ છે. મોમે પણ ફોન કરી મને હવે ઘરે આવી જવા કહ્યું છે. તું પણ હવે એકદમ સારો થઈ ગયો છે તને પણ એકાદ દિવસમાં રજા મળી જશે. મને લાગે છે મારે હવે ઘરે જવું જ જોઈએ.” તે કરતી હતી ‘ઘરે જવાની વાત’ પણ તેની આંખો બંડ પોકારી પોકારીને કહી રહી હતી કે ‘વિષુ…બસ એકવાર, તું મને રોકાઈ જા એમ તો કહી જો…!’

વિષ્ણુએ ચબરાકીથી એની આંખોના ભાવ વાંચી લીધાં, એ મોકો ગુમાવવા નહોતો માંગતો. તેણે તરત જ બાજુના સર્વિસ ટેબલ પર પડેલાં વાઝમાંથી એક લાલ ગુલાબ લઈ ઘૂંટણીયે પડી, સ્નેહાને ગુલાબ આપતા પ્રેમનો ઇઝહાર કર્યો, “સ્નેહા….આઈ લવ યુ ડિયર…વિલ યુ મેરી મી ?” સ્નેહા તો અણધાર્યા પ્રપોઝલથી વિચારમાં પડી ગઈ…. તેની ચુપ્પી જોઈ વિષ્ણુ કહેવા લાગ્યો, “સ્નેહા, બહુ ન વિચાર. તારી સામે છે તે વિષ્ણુનો કાયાકલ્પ થઈ ગયો છે, તારા સાનિધ્યએ મને માણસ બનાવી દીધો છે, જિંદગીમાં પોતાનું અંગત કહી શકાય એવા આપ્તજનનાં હોવાની અહેમિયત શું હોય તે તારી લાગણીભરી માવજતે મને શીખવાડયું. મને સુધરવાની તક મળી છે એવા સમયે હું તને ખોવા નથી માંગતો. હું બધા ખોટા કામધંધાને છોડી દઈ એક શુકુનની જિંદગી જીવવા માંગુ છું. અને એમાં મને તારો સાથ જોઈએ છે, આપશે ને ?”

સાક્ષાત કામદેવને પોતાને ઘૂંટણીયે પડી પ્રેમની ભીખ માંગતા જોઈ મંત્રમુગ્ધ થયેલી સ્નેહાએ આખરે મુંડી હલાવી પ્રેમનો એકરાર કરી જ લીધો…..અને બંને પ્યાસા પ્રેમીઓની જેમ એકબીજાની બાહોંમાં સમાઇ ગયાં….ત્યારે અધખુલી બારીમાંથી, બે પ્રેમીઓનું અદ્ભુત મિલન જોઈ રહેલાં પૂનમના ચાંદને એક વાદળીએ આવી પોતાનાં પાલવમાં છુપાવી દીધો……

— મીનાક્ષી વખારિયા.

 

 

About શૂન્યતાનું આકાશ

મોટાભાગના ...તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ ...અનુભૂતિઓ ...અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ...! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ ...બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:)

એક પ્રતિભાવ »

  1. Mitali કહે છે:

    haji pan agad kadi avse ne ?

    aturta thi rah jov chu agd ni kadi ni.

    Like

Leave a comment