‘કથાકડી’ એટલે એક સહિયારો પ્રયાસ. દાદી થી લઈને પૌત્ર સુધીની જેટલો ઉંમરનો તફાવત હોવાથી આ કડીઓ એક પણ જગ્યાએ જૂની નથી થઈ અને એક પણ જગ્યાએ સાવ નવી પણ નથી લાગતી, સપ્રમાણ મિશ્રણ ખટમીઠું લીબું પાણી જેવું. મને આખાય પ્રોજેક્ટની જાણ નિમિષભાઈ વડે થયેલી અને પછી ‘કનેક્ટિંગ ધ ડોટ્સ’ની થિયરી પ્રમાણે ડોટ્સની લાઈન બનતી ગઈ અને  હું નિવાબહેન, અશ્વિનદાદા, ઈરફાનભાઈ અને નિમિષભાઈને હેરાન કરી કરી એપિસોડ લખતો ગયો. સતત પ્રોત્સાહન આપતી ટીમ લેખનને પ્રોટીન પૂરું પાડે છે અને નાના હોવાથી થોડી વિશેષ છુટછાટ પણ લેવાની મજા પડી જાય.

આખીય યાત્રા દરમિયાન જે વ્યક્તિને સૌથી નજીક જાણ્યા એ છે અશ્વિનદાદા. એ મુંબઈ અને નાસિકમાં હોય, હું કચ્છ હોઉં. એક છેડેથી બીજા છેડે ગમે ત્યારે ફોન, મેસેજ અને મેંઈલથી સ્ટોરી પર વાત કરવાની છૂટ. એમના ચાલુ એકાઉન્ટમાંથી પરેશાન કર્યા તો રાતના સાડા દસ વાગ્યે પણ ફોન કરવો હોય તો ખચકાટ વિના તેમને ડાયલ કરી શકાય. કોઈ જાતના જનરેશન ગેપ વગર નિખાલસ વાતો અને એમની સલાહો પણ સતત સુધારા માટે પ્રેરક બની રહે છે

સતત ઉત્સાહમાં રહેતા અને દિલ ફાડીને જીવતા કથાકડીના મિત્રોને જિંદગીમાં એક ખૂણામાં વિશેષ સ્થાન છે.

13644387_1000830070024917_1026070566_n

રિમાંડ રૂમની દિવાલો સાથે ‘વોટ’ શબ્દ અથડાયો, અને વાતાવરણમાં વિલીન થઈ ગયો.
કોઈ ન મળવાનો વ્યક્તિ મળે, ને પછી જે પરિસ્થિતી ઉત્પન્ન થાય, તેવી જ સ્થિતી અત્યારે દિગ્વિજય અને તેનાં સાથીઓની હતી. કોઈ જાતનો અવાજ વગરની નિરંતર શાંતિનું વાતાવરણનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું.
અચાનક થયેલી શાંતિથી રોહન તો ડઘાઈ જ ગયો અને વારાફરતી બધાને જોવા લાગ્યો.
અને ત્યાં જ, ‘સટા…ક’ અવાજથી રિમાંડ રૂમની શાંતિ ચીરાઈ ગઈ,અને સચિન જમણી બાજુ ઢળી પડ્યો. પંડ્યા અને જાડેજા પણ અચાનક આવેલા અવાજથી હેબતાઈ ગયાં. આ ફટકાથી રોહનનાં હોઠ રીતસર ફાટી ગયા, અને સાચવતા અવાજે બોલ્યો તે બોલ્યો ” આ…. શ…શાને.. .મા…..ટ….એ….? ”
“હળાહળ જુઠ માટે તારા, નાલાયક! કપાળ પર લખેલું દેખાય છે તને મારા પર? પકડાઈ ગયો, એટલે આમ કહીને છુટવું છે? તને લાગે છે હું માની જઈશ અને તને કહી દઈશ કે સારું જા હવે. ઘત..!”
દિગ્વિજયે ખુરશી પછાડી અને ઉભો થયો, ફરી બોલ્યો કોઈ અલગ અવાજે બોલ્યો ” કાનૂન સબૂત માગે છે દોસ્ત, સબૂત” “આ જ અંતિમ સત્ય છે સર. કેટલી વાર કહું તમને આઈ એમ સચીન, સચીન અમિત દેસાઈ”
તે ચૂપ થઈ ગયો અને અચાનક કંઈ યાદ આવ્યું હોય તેમ બોલ્યો, ” સબૂત? હા છે ને મારી પાસે. હા, છે..છે” તે રાજી થઈ ગયો “એમ? તો બતાવ. ચાલ અમે પણ જોઈએને.”
સચિને પોતાની વોલેટ કાઢી અને તેમાં કંઈક ફંફોસવા લાગ્યો. આ જોઈ દિગ્વિજય બોલ્યો “ગાંધીજીની નોટોથી મને નફરત છે હો.”
સચિન હસ્યો અને ફરી તે વોલેટમાં હાથ નાખી કંઈક શોધવા લાગ્યો. થોડી વાર બાદ તેને એક ફોટો કાઢ્યો અને દિગ્વિજયને આપ્યો.
પંડ્યા અને જાડેજા પણ ત્યાં નજીક ગયાં. ફોટો જોઈ તેઓની આંખો ફાટી ગઈ. તેમાં અમિતભાઈની પડખે બે યુવાનો ઉભા હતાં. દિગ્વિજય લાઈટમાં જઈ ફોટો જોવા લાગ્યો અને ઉપર નીચે કરવા લાગ્યો. તેનાં મોઢાની રેખાઓ બદલાવવા લાગી, અને વારફરતી પંડ્યા અને જાડેજાને પણ ફોટો આપ્યો. “ફોટો સાચો છે કે ખોટો, એ તો ચેક થાશે. બીજું કંઈ હોય તો આપ” દિગ્વિજય શાંત નદી થઈ ગયો.
“ફેસબૂક પ્રોફાઈલ? ચાલે?” સચિનએ પૂછ્યું
દિગ્વિજય હસ્યો, અને કહ્યું “કોર્ટમાં લગભગ ન ચાલે પણ હું જોવા ઈચ્છીશ.” પંડ્યા પોતાનું લેપટોપ લાવ્યો અને અને ટેબલ પર મૂક્યું. સત્યની નીકટ પહોચતા હોય તેવું હવે દિગ્વિજયને અંદરથી લાગ્યા કરતાં હતું. તે ચૂપ હતો અને લેપટોપ પર રોહનની પ્રોફાઈલ જોવા લાગ્યાં. તેમાં રોહન અને સ્નેહાનાં ફોટોગ્રાફ હતાં. વિચિત્ર રીતની સેલ્ફીઓ જોઈને બધાં મંદ મંદ હસવા લાગ્યાં અને ત્યાર બાદ સચિનની પ્રોફાઈલ ખૂલી અને દિગ્વિજયને આ જોઈને સંતોષ થયો હોય તેમ લાગ્યું. “અને તમારા યુએસએ.નાં પુરાવા પણ જોઈએ”
સચિને હકારમાં માથું ધુણાવ્યું
“યાદ રહે, તું ડ્ર્ગ ડિલર છો, અથવા એમની સાથે ટચમાં છો, એટલે કાયદાની નજરમાંથી તો નથી બચવાનો, એ તો પાક્કું જ છે.” દિગ્વિજય બોલ્યો, અને જરા અટકીને આગળ બોલ્યો “ચાલ માની લીધું તું રોહન નથી, તો હવે તારો ફ્લેશબેક જોઈએ. કે તું કઈ રીતે અહીં ઇન્ડિયા આવ્યો, અને મેઈન પોંઈટ એ છે, કે તું રોહન બની સ્નેહા જોડે કેમ હરેફરે છે?” અને આ સાથે જ દિગ્વિજય સહિત બધા ખુરશી પર બેસી ગયા.
“જેમ તમે માનવા તૈયાર ન હતાં કે અમે બે છીયે, એક નહીં, તો બસ, આ જ કારણ છે કે રોહનનું અંગત અદાવતમાં થયેલ ગેરસમજને કારણે ખૂન થઈ ગયું. એ ભારત આવ્યો ત્યારે મારા દુશ્મનો તેને સચિન સમજી બેઠા અને તેનાં પર વોચ રાખી કાસળ કાઢી નાખવા ઈચ્છતાં હતાં, પણ હંમેશા સ્નેહા જોડે એ રહેતો હોવાથી કદાચ તેમને મોકો મળતો ન હતો. તેઓ રોહનની આજુબાજુમાંથી યે પસાર થઈ જતાં, તો પણ રોહનનાં ચહેરા પર કોઈ ભય કે શંકાના ભાવ તેઓ જોઈ શકતાં ન હતાં. આથી તેઓ વધુને વધુ ગિન્નાતા. પણ બિચારા રોહનને શું ખબર હોય આ બધું?
એક દિવસ એમને બરોબરનો લાગ મળ્યો. તે દિવસે રોહન સ્નેહાને મંદિરમાં મળીને પાછો ફરતો હતો. એક જણે લિફ્ટ માંગી, અને રોહને પોતાનું મોત પોતાની સાથે બેસાડી દીધું. થોડું આગળ ગયાં તેઓ, એટલે પેલો બંદુકના જોરે કાર અવાવરુ એરિયામાં લઈ ગયો. ગભરાયેલ રોહન કંઈ ન બોલી શક્યો, અને બેઠેલા માણસે, તેને મળેલા ઓર્ડર મુજબ, રોહનને બેભાન કરી, ઠંડા કલેજે તેને ખત્મ કરી નાખ્યો.” આટલું બોલતા જ સચિન અટકી ગયો. અને તેની આસપાસ બેઠેલા પણ, જાણે સમજી શક્યા હોય, તેમ કંઈ ન બોલ્યાં, અને તેને પાણી આપ્યું.
બે મિનિટ બાદ દિગ્વિજયે તેને પૂછ્યું “ઓકે. પણ આગળ તેની લાશ તો મળી નથી. એનું શું થયું? તને આ બધી ખબર કેવી રીતે પડી એ તો કહે અમને. સાલા, તુક્કા તો નથી મારતો ને તું?” “એની લાશમાં કાણા પાડી, પછી બોરીમાં નાખીને રાતે નદીમાં પધરાવી દીધી. અને ધ એંડ. કોઈને કંઈ ખબર પણ ન પડી.” દિગ્વિજયે માર્ક કર્યું કે સચિનને ખૂબ જ ખોટું થયું હોય તેમ લાગતું હતું. “અને વાત રહી એ કે મને ખબર તેવી રીતે પડી, તો સર તમારા ખબરી હોય એમ અમારા પણ હોય ને..!”
સચિનની આ વાત સાંભળી બધા હસી પડ્યાં અને પછી વાતાવરણમાં શાંતિથી પ્રસરી ગઈ. દિગ્વિજય ખુશ હતો, કે સચિન તેમને પૂરતો સહકારા આપી રહ્યો હતો અને નાની વાત પણ કહી રહ્યો હતો, અને એટલે જ તેણે તેવા જ ઉત્સાહમાં પોતાની પૂછપરછ આગળ વધારી. ”અમેરિકાથી ભારત આવવાનું કારણ શું? એ તો કહે, બકા. અમસ્તો અમસ્તો તારો બાપ તને મરવા માટે અહીં મૂકે નહીં, અને એ પણ, એક છોકરો ગુમાવ્યા બાદ. કંઈક સ્વાર્થ તો હશે એ રીઢા રાજકારણીનો. સાલો દેસાઈ..!” દિગ્વિજય ગુસ્સામાં બોલ્યો.
પોતાના પિતા માટે અપમાનજનક કટાક્ષ-વાણી સાંભળી સચિન સહેમી ગયો પણ તોય થોડા હસતા ચહેરા સાથે તે બોલ્યો “રોહનનું એટલે કે મારું ખૂન થયું છે, એ યશપાલનાં માણસથી જ અમને ખબર પડી, કેમ કે યશપાલનો માણસ પણ એ જ ગેંગમાં છે. અને લાશ મળવાનો તો સવાલ જ નથી કેમ કે તે નદીમાં ફેંકી દિધેલી. જો કે યશપાલ પણ આ ખબરથી દુ:ખી થઈ ગયો હતો પણ પોતાની જાતને સાંભળી લઈને, તેણે મારા ડેડી સામે આખી વાત પૂરી સિફતકપૂર્વક મૂકી. પણ તોય મારા ડેડી સાવ પડી ભાંગ્યા. એક દિકરાનાં વાંકે બીજા નિર્દોષ દિકરો તેમણે ગુમાવ્યો હતો. એ દિવસ તો તેઓ યશપાલથી કંઈ બોલ્યા નહીં, પણ યશપાલ ક્યાં નાની નોટ હતો? એણે સમજદારી વાપરી અને સાચૂકલાઈથી વાત મૂકી કે, ‘જો અમિત, થવાનું હતું તે તો થઈ ગયું, અને અફસોસ તો મને પણ છે કે આપણો દિકરો ગયો છે. અને ચોક્કસ આ દુ:ખની બાબત છે. પણ શું થાય આપણાથી? આયુષ્ય પર કોનું ચાલ્યું છે આજ સુધી, કે મારું કે તારું ચાલશે? એટલે સચ્ચાઈ સ્વીકારતા શીખ, દોસ્ત.’ યશપાલની આવી મીઠી ચાસણી વાળી વાતોથી મારા ડેડી પણ ઓગળી ગયાં” “પાક્કો રાજકારણી..! સાલો, વોટ પણ આમ જ લઈ જાય છે” દિગ્વિજય પોતાની જાતને રોકી ન શક્યો. અચાનક વાતમાં ભંગ પડવાથી સચિન પણ બે મિનિટ અટકી ગયો. પણ ફરી ટ્રેક પર આવ્યો, અને વાત શરૂ કરી, “સર, પણ તેનાં મગજમાં અલગ પ્લાન ફરતો હતો. તેની નજર સ્નેહા અને તેનાં માબાપની સંપતિ પર હતી. ત્યારે તે કશું જ બોલ્યો નહીં અને ચાલ્યો ગયો. બીજે દિવસે તેણે સવારનાં નાસ્તામાં હળવેકથી મમરો મૂક્યો અને કહ્યું કે, ‘સચિનને આપણે ભારત મૂકીયે તો?’ ડેડી સમજ્યાં નહીં એટલે તેમને સમજાવ્યા. યશપાલે કહ્યું, ‘આપણે સ્નેહાને સાચવવાની છે. કેમ કે એ રોહનને પ્રેમ કરે છે, અને તેની પાસે માલ પણ ખૂબ જ છે. હા, અને સૌથી મહત્વનું.. સચિન ત્યાં તેની ફેકટરીમાં મારા ડ્ર્ગનાં ધંધાને પણ સંભાળી લેશે ને.”
આ સાંભળ્યાને દિગ્વિજયની આંખો ચમકી, અને તેને બીજો શિકાર મળ્યો હોય એમ મનોમન ખુશ થઈ ગયો. “પછી તું ખોટા પાસપોર્ટની મદદથી આવી ગયો. બરોબર?” “હા, અને આ બધા કામ પેલા ચતુર પટેલનાં. હું પેલી સ્નેહાની નજીક પણ જતો નહોતો, કેમ કે તે કોઈ એવી બાબત પૂછી લે, તો પકડાઈ જવાય. અને સાચું કહું તો હવે મને અફસોસ છે આ કાળા કામો પ્રત્યે. હું નથી કરવા માંગતો, પણ હું ખુદ ફસાઈ ગયો છું સર..! જેટલો નીકળું છું, એટલો જ ખૂપતો જાઉ છું. મારો સાગો ભાઈ ખોયો અને હવે નકામો યશપાલ મને રોબોટ બની ફેરવે છે, અને તે સાથે ભોળી સ્નેહાની લાઈફ પણ બરબાદ થાય છે. આઈ ડોંટ વોંટ ટુ ડુ ધીસ બટ આઈ કાન્ટ..!” ખૂબ ભારે રડમસ અવાજે સચિન બોલ્યો
” યસ યુ કેન.” તરત જ દિગ્વિજયે વાત પકડી લીધી. ચિત્તો જેમ તરાપ મારે તેમ તેને પણ સચિનની લાગણી પર તરાપ મારી, અને તેને લાગ્યું કે એ જીતી ગયો છે. છતાં લગભગ રૂમ શાંત હતો; કોઈ બોલ્યું નહીં. ચાતકડોળે રાહ જોતો દિગ્વિજય અત્યારે સચિનનાં જવાબ સાંભળવવા માટે આતુર બન્યો હ્તો
“કઈ રીતે સર?” છેવટે સચિને જ મૌન તોડ્યું
“મારો સાક્ષી બની જા. અને બધી વિગત મને કહી દેજે. જો અત્યારે તું કહેવા ન માંગે તો કંઈ નહી. આરામથી ઘરે જા, પણ મારા આદમીની નિગરાનીમાં જ તું રહીશ, એ વાત યાદ રાખજે.” વાક્ય પુરું કરતાં તેના હાવભાવ બદલાઈ ગયાં હતાં
દિગ્વિજય પાક્કો ખેલાડી હતો. તે જાણતો હતો કે વજીરને મારવા જો પાયદળને બે કદમ પાછળ ખસકવું પડે, તો એમાં કંઈ અપમાન નથી. હંમેશા દુનિયા છેલ્લા પરિણામને યાદ રાખે છે. તે પહેલા તો, તમે પડો કે ઉઠો તેનાથી જગને કોઈ મતલબ નથી. તેણે સચિનને જવા દીધો અને આખી ગેંગને પકડી લેવાનો મનસુબો સેવવા લાગ્યો. ”એગ્રી સર, મને પણ હવે મારા પપ્પાનો રોહન બનવું છે, અને આ દલદલ વાળી દુનિયાને બાય કહી દેવું છે. તમને રજેરજની માહિતી હું આપીશ, અને એ બદલામાં હું કંઈ પણ નથી માંગતો” તેની આંખોમાં એક અનોખી ચમક હતી અને દિગ્વિજયની પારખુ નજર પારખી તે ગઈ હતી. *********
દિગ્વિજય પોતાની સિગારેટ સળગાવીને, આંખો બંધ કરીને,પંખાની નીચે રહેલી ખુરશીમાં પગ પર પગ ચડાવીને શાંતપણે વિચારતો બેઠો હતો. આ જોઈ પંડ્યા કે જાડેજા, તેને હેરાન કરવાનાં મૂડમાં ન હતાં એટલે ફક્ત તેની તરફ એક ઉડતી નજર નાખીને ચાલ્યા ગયાં. તેની આ બેઠક ક્યારે સમાપ્ત થશે એ તો કોઈને ખબર ન હતી.
મોટી જાનહાની ટાળી શકાઈ, એ માટે તે મનોમન ગૌરવ લઈ રહ્યો હતો, અને તે માટે એ તેનાં વફાદાર સાથીઓ કાલીચરણ અને સ્વામી પરમ-પ્રકાશનો પણ આભારી હતો.
જો કે યોજના મુજબ સીધું સપાટ પસાર થાય, તેને જીંદગી થોડી કહેવાય..! સ્વામીજીને પોતાનાં લોખંડી પંજામાં લેવામાં તેને સફળતા ન મળી અને હવે શું કરવું એ વિચાર તેનાં દિમાગ પર સતત સતાવતો હતો. સિગારેટનો ધુમાડો તેને કંઈક રાહત આપતો હતો, છતાં કોઈ એક ક્ષણે તે પણ સાથ મૂકી જતો હતો. અને ફરી એ જ પ્રશ્ન, કે સ્વામીને કેમ ખોળવા?
”સર…. સર…..” પોલીસ સ્ટેશનની શાંતિનો ભંગ થઈ ગયો અને દિગ્વિજય આંખ ચોળતો ઉભો થયો. “ઓહ. હાઈ ડોબરિયા..!” તેણે વેલકમ કર્યું. “સરસ ગિફ્ટ લાવ્યો છો” તેની સાથે રાહુલને પણ જોઈ, તે બોલ્યો. રાહુલ સ્થિર..તપ કરતાં સાધુની જેમ ઉભો હતો. તેને કોઈ જાતનો જવાબ ન આપ્યો. જાણે કે તેને પોતાની બધી ભૂલોનો પસ્તાવો ન થતો હોય..!
એને અંદર લઈ જવાનો ઈશારો દિગ્વિજયે કર્યો, અને સબ ઈન્સ્પેકટર ચારણ તેને અંદર લઈ ગયાં “કોઈ જાતની ફોર્માલીટી હું કરવા માંગતો નથી રાહુલ, જે ઓકવાનું છે, તે ફટાફટ ઓકી નાખ. તારા દિવસો હવે ભરાઈ ગયા છે. બહુ રમી લીધું લોકોની જીંદગી અને એમની લાગણીઓ જોડે. અને હું જાણું છું કે તારો જ હાથ છે, સ્નેહા પર હુમલો કરવામાં. સપના અને સંયોગ પર વેર ઉતારવા તે એમની કારમાં બોમ્બ મૂકાવ્યો અને એમની એકની એક સ્નેહાને ટાર્ગેટ કરી. અફસોસ..! તું ફાવી ન શક્યો દોસ્ત ” દિગ્વિજય સીધી સટ વાત મૂકી “હા મેં જ કરેલું આખું કાવતરું, અને એ પણ સ્વામીની મદદ લઈને. પણ કમબખ્ત..! તું અને પેલો વિષ્ણુનો બચ્ચો આડા ઉતરી આવ્યાં (ગાળ).”
આટલું સાંભળતા જ દિગ્વિજયનો હાથ કાબૂ ગુમાવી બેઠો, પેલાના જમણા ગાલ પર પાંચેય આંગળા ઉઠાવી દીધાં, અને બોલ્યો ” તારા જેવા સ્વાર્થી થોડા જ હોય બધા, નાલાયક..!”
“પણ તમને એ બોમ્બ–વિસ્ફોટ અને મારા અમદાવાદમાં આગમનની જાણ કેમ થઈ, એ તો કહે.” જાણે થપ્પડની અસર ન થઈ હોય તેમ એ બોલ્યો દિગ્વિજય ખંધુ હસ્યો અને શાંત થયો. “ચાલ તારી યાદશક્તિ ચેક કરું હું. સ્વામી પરમ પ્રકાશ અને કાલીચરણ ! યાદ આવ્યું તને બેવકૂફ..?” “ઓહ (ગાળ)..! તો એ પરમ-પ્રકાશ જ મને આ અંધારા પાછળ લઈ આવ્યો એમ ને? અને આ.. કાલી.. કાલીચરણ કોણ છે?” રાહુલ બોલ્યો
“એ સપના ઘરે મારી માટે કામ કરતો”
જવાબમાં રાહુલે માત્ર હસ્યો. તે જાણતો હવે આ જેલની હવા ખાવી જ પડશે. દિગ્વિજયે તેને ઉભો થવાનો ઈશારો કર્યો. હવાલદાર કસ્ટડી તરફ લઈ ગયો એટલે તે ડોબરિયા તરફ વળ્યો. “ડોબરિયા હવે આગળની કડી, એટલે પેલો શાર્પ-શૂટર, જેને સ્નેહા પર વાર કર્યો હતો. એ સતત પેલા બે કોડીનાં ગુરુજી અને યશપાલની જોડે ટચમાં હશે જ. એનાં ફોનની બધી ડિટેલ્સ ચેક કર, અને મને આજ સાંજ સુધીમાં આપ. હવે સ્વામીજી બહુ દૂર નથી” દિગ્વિજય સૂચન કરી ચાલતો થયો
*********
આ તરફ સ્નેહા પુરા દિલથી વિષ્ણુનું ધ્યાન રાખી રહી હતી. એની દરેક ચીજ-વસ્તુઓની કાળજી રાખતી હતી, અને એક અજાણ્યા પોતાપણાની લાગણી તેને થતી હતી.
દિગ્વિજય બે હવાલલદારને લઈ તે હોસ્પીટલમાં ઘવાયેલા પેલા શૂટર પાસે આવ્યો. તેને થયેલી ઈજા પ્રમાણમાં ઓછી હતી એટલે તે પથારીમાં જાગતો જ પડ્યો હતો. દિગ્વિજયની દ્રષ્ટિ તેનાં પર પડી. છ ફૂટથી વધુ હાઈટ ધરાવતો તે હોસ્પિટલનાં પલંગમાં આસાનીથી આવતો ન હતો. બંને હાથ કસાયેલા અને કોણીથી ઉપરનો ભાગ રીતસર ફુલેલો હતો, જે જોઈને જ કાચો -પોચો છળી મરે એવા બાવડા હતાં, તો પોતાની છાતીનાં તેણે બે સરખા ભાગ થતાં હોય તે રીતે વિકસાવી હતી જેને જોઈને કોઈ પણ છોકરી ફિદા થઈ જાય. જોકે દિગ્વિજય ન તો કાચોપોચો હતો કે ન તો એ કોઈ છોકરી હતો. એટલે તેની ઉપર આ બધાની કોઈ અસર ન થઇ.
પેલાનાં વાળ એકદમ ટુંકા અને કપાળ એકદમ મોટું હતું. આંખોની ઉંડાઈ અને બાજુંમાં લગાવેલું આંજણ તેની આંખને વધુ ધારદાર બનાવતાં હતાં. ”હેલો મિસ્ટર..! ખોટા નાટક બંધ કર અને આંખ ખોલ. મને ખબર છે તું પૂરા હોશમાં છો..” દિગ્વિજય તેનાં અંદાજમાં બોલ્યો ”જનાબ લોગ હમે અફઝલ કહેતે હૈ” તેણે એકદમ બેફિકરાઈથી જવાબ આપ્યો અને આંખ ખોલી “ઔર હમે દિગ્વિજય. ઈન્સ્પેકટર દિગ્વિજય” “હા જી, હમ આપકી બંદુક ચલાને કી કલા સે ખુશ હો ગયે. પહેલી દફા કીસીને હમે..હમે ઘાયલ કિયા હે. માન ગયે ઈન્સ્પેકટર. અબ ભી પોલીસમે જાન હે..!” તે દિગ્વિજયને ઉશ્કેરતો હતો. પોતાની પ્રશંસાની પરવા વિના તેને કડક અવાજે કહ્યું, ”સ્વામીજી માટે કેટલા સમયથી કામ કરે છે? બોલ !’ દિગ્વિજય તરત મુદ્દા પર આવી જતાં, અફઝલ ગભરાયો. પણ તે કશું ન બોલ્યો. અને પોતે કંઈ સમજ્યો ન હોય તેમ વર્તન કરવા લાગ્યો. ”કૌન સ્વામીજી? જરા ઠીકસે બતાઈયે.” દિગ્વિજયને ખ્યાલ આવી ગયો, કે સીધી આંગળીથી ઘી નહીં નીકળે. તે ઉભો થયો અને ડોબરિયાને ફોન જોડ્યો. “કામ થઈ ગયું? સોરી, મેં જરા વહેલો ફોન કર્યો તને”
“ઓલમોસ્ટ ડન. 30 મિનિટમાં આવું, હોસ્પિટલે.” “તો આ ગોળી ચલવવાનું કારણ શું, એ તો કે જરા..!” દિગ્વિજયે પ્યાદો આગળ હલાવ્યો. ”વો તો મેં ઉસે બેગમ બનાના ચાહતા થા, ઈસી લીયે. વો મેમસાબ કો હમ પસંદ નહીં થે, ઈસી વજહ સે વો મેરી નહીં હોગી, તો કીસી ઔર કી ભી નહી.” સિફ્તપૂર્વક તેને ખોટું બોલતા જોઈ દિગ્વિજય મનોમન હસ્યો.
દિગ્વિજય તેને ખોટી વાતોમાં ફસાવી, સમય પસાર કરતો હતો, અને આ વાત પેલો અફઝલ મનોમન હરખાતો હતો. એ સમજતો હતો, કે આ મારી વાતોમાં આવી રહ્યો છે. ત્યાં દરવાજામાં ટકોરા પડ્યાં.
“કમ ઈન” દિગ્વિજયે ટૂંકો જવાબ વાળ્યો
ઈન્સ્પેકટર ડોબરીયા અને એક હવલદાર અંદર પ્રવેશ્યા. તેણે તેને હાથમાં એક કવર આપ્યું, અને બોલ્યો ”આનું નામ અફઝલ છે, જે આપણા બાતમીદારોએ મને કહ્યું, અને આ નામ સીમ કાર્ડ કંપનીમાં રજિસ્ટૃર છે.” તારીખ 27/4 સમય 8’45 સવાર
તારીખ 27/4 સમય 12’54 બપોર
તારીખ 28/4 સમય 9’53 સવાર
“આ બધા સમય તે જેનાથી વાત કરી છે, એ છે પૂજય ગુરુજી. અને શું વાત કરી છે એ મને કહેવાની જરૂર છે? કે તું કહે છે?” દિગ્વિજયની આટલી તૈયારી જોઈ તે પણ ડઘાઈ ગયો અને સમજી ગયો કે હવે સાચું બોલવામાં જ ભલાઈ છે એની. “હા આ ગુરુજી જ હતાં મારી એમની જોડે થતી વાતમાં. તેમણે જ સ્નેહાને ટાર્ગેટ કરવાનું હતું”
“બસ આટલું જ કામ કરે છે તેના માટે? ચાલ પોપટ બન, અને બોલ બધું. સાલા..!” “એક્ચુલી વિષ્ણુની જગ્યાએ ગુરૂજીએ મને રાખ્યો હતો જેમાં મને બ્લેકની દુનિયાનાં બધા કારોબાર, જેમાં ખંડણી હોય, કે કોઈનું કામ તમામ કરવું હોય, તો હું ગુરુજીની મદદ કરતો, અને એ મને સારા એવાં રૂપિયા આપતાં, સર. મારું કામ તો આટલું જ રહેતું.” અફઝલે પૂરું કર્યું
દિગ્વિજય જાણતો હતો કે અહીંથી આટલી જ જાણકારી મળશે એટલે વધારે સમય ન બગાડતાં તેનું સ્ટેટમેંટ લખાવી, તેઓ ત્યાંથી નીકળ્યા. તેનાં ચહેરા પર એક જાતનો આનંદ હતો, કેમ કે તે હવે ગુરુજીની વધુ નજીક પહોચ્યો હતો.
કાર સ્ટાર્ટ થઈ અને તેઓ શાહીબાગ તરફ રવાનાં થયાં. એકધારી સ્પીડ પર જતી કારમાં તદન શાંતિ હતી. શહેરનો ટ્રાફિક ચીરતા તેઓ આગળ વધતાં હતાં ત્યારે ડોબરિયાએ દિગ્વિજય સામે વાત મૂકી, “સર ઈલેક્શન આવે, ત્યારે યશપાલ અને ગુરુજી ખૂબ બ્લેકમાં પૈસા લાવે છે. અને બધા આશ્રમમાં મૂકાય છે. તેનાથી ખૂબ જલસા કરાવાય છે એ માહિતી પણ મને મળી છે” દિગ્વિજય કઈ ન બોલ્યો ફક્ત હકારમાં માથું ધુણાવ્યું અને શાંત શહેરને જોયા કર્યું. આટલી મોટી વારદાતો છતાં કઈ રીતે આખું શહેર દોડ્યા કરે છે?
બધા શાંત છે. તેણે પણ પોતાની આંખ મીચી લીધી.

— પૂજન જાની

About શૂન્યતાનું આકાશ

મોટાભાગના ...તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ ...અનુભૂતિઓ ...અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ...! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ ...બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:)

Leave a comment