મારા વિશે ટૂંકમાં કહું તો નામ આલોકકુમાર નરેન્દ્રભાઈ ચટ્ટ , ૩૭ વર્ષની ઉમર માં માર્કેટીંગમાં બી.બી.એ. તથા ડીપ્લોમાં ની ડીગ્રી લઈને અંતે પોતાનાં ૩૯ વરસ જૂનાં વારસાગત ટાઈલ્સ ના બીઝનેસ માં ઠરીને ઠામ થયેલ છું, એક સીધીસાદી પ્રેમાળ પત્ની અને નટખટ એવી દેવાંશુ નામનો દીકરો છે. નાનપણથી જ કાવ્ય અને સાહિત્યનો વાંચનનો શોખ સમય જતાં લેખનનાં શોખમાં પરિણમ્યો, પહેલાં કાવ્યો અને હાઇકુ પર હાથ અજમાવ્યા બાદ વાર્તા અને લેખો લખવાની પણ ધીરે ધીરે શરૂઆત થઈ ગઈ.

બહુ સમયથી ફેસબુક પર ક્થાકડી ની ચર્ચા ચાલતી હતી એ વાંચવામાં આવતું હતું એટલે એક દિવસ કુતુહુલ વશ નીવાબેનને પૂછી બેઠો કે આ કથાકડી શું છે…? નીવાબેને ક્થાકડી વિશે ટૂંકમાં સમજ આપી પણ વધુ જાણવાની ઈચ્છા જાગી એવામાં એક દિવસ નીવાબેનનો મેસેજ આવ્યો કે તમને ક્થાકડી લખવામાં રસ છે..? તમે લખશો એક કડી..? બસ પછી તું શું જોઈએ ભાવતું હતું અને વૈધે કીધું એના જેવું હતું, કંઈ પણ વિલંબ કર્યા વિના તરત જ મેં હા પાડી દીધી….બસ પછી તો નીવાબેને પેલા ક્થાકડી વર્કશોપ માં મને એડ કર્યો અને ત્યાર બાદ વોટ્સએપ ના ક્થાકડી ગ્રુપ માં એડ કર્યો…અને નીવાબેનની ગાઈડ લાઈન એવી મળેલી કે તમે પહેલાં ૧ થી ૪૯ કડી નો અભ્યાસ કરી લો બરાબર પછી તમને કઈ કડી લખવી એ કહેશું. બસ પછી તો શું જોઈએ બોર્ડ ની એક્ષામ માં જે રીતે વાંચતો ટે જ રીતે દિવસ રાત એક પછી એક કથા કડીઓ નો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માંડ્યો. સમય આવતાં ૫૧મી કડી લખવાની જવાબદારી નીવાબેને મને સોંપી. ત્યારથી અત્યાર સુધી અનેક પ્લોટ્સ ની ક્થાકડી એક્ષપર્ટ ટીમ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ મારી કડીને લખી શક્યો છું. એક દિવસ તો રાતે બાર વાગ્યે અશ્વિનભાઈને ફોન કરીને ઉઠાડેલા અને અમે અડધો કલાક જેવી પ્લોટ્સ ની ચર્ચા કરેલી.

કથાકડી જેટલી મોટી ઇવેન્ટ કે જે હવે લિમ્કા બુકમાં પણ સામેલ થઈ ગઈ છે , તેમાં મને સહભાગી બનાવવા બદલ હું સૌ પહેલાં નીવાબેનનો હ્રદયપૂર્વક આભાર માનું છું. સાથે સાથે ક્થાકડી એક્ષપર્ટ ટીમ અશ્વિનભાઈ, ઈરફાન ભાઈ, નીમીશભાઈ, જ્હાનવી બેન તથા સમગ્ર ક્થાકડી ટીમનો પણ હું આભાર માનું છું….આ બધાં ઉપરાંત મારી પત્ની અવનીનો ખાસ આભાર માનું છું, તેને આપવાનો સમય ચોરીને હું મારા લેખનનાં શોખને પૂરો કરી શકું છું …..અને આખરે એક ફ્રેન્ડ છે જેને મારી કડી લખવામાં બહુ જ મદદ કરી છે, તેનો પણ હું આભારી છું. મારા જેટલી જ મહેનત તેણે પણ કરેલી છે અને બહુ સમય આપ્યો છે……..આભાર…

12400959_1012173388841613_801005533607417943_n

 

આશ્રમની નીરવ શાંતિ વચ્ચે પણ આજે વ્યોમાનું મન તીવ્ર ઉચાટમાં હતું, જ્યારથી એણે વિષ્ણુને ફોન કરીને યશપાલ અને રાહુલના પ્લાન વિશે કહ્યું, ત્યારથી ન જાણે કેમ એનું મન બહુ ગભરાઈ રહ્યું હતું.
રહી રહીને એની નજર ફોન પર જ જતી હતી, એક એક સેકન્ડે એ મોબાઈલ ચેક કરતી હતી, કે વિષ્ણુનો ફોન આવ્યો કે નહીં.
આમને આમ આરતીનો સમય થતાં એ મંદિરે તો ગઈ પણ આજે આરતીમાં પણ એનું ચિત્ત ચોટ્યું નહીં. આરતી પૂરી કરીને બધાંની સાથે એ મને ક-મને ભોજન કક્ષ તરફ ગઈ, ને ત્યાં પહોંચીને હજી તો થાળી હાથમાં લીધી જ હતી કે ત્યાં જ એનો મોબાઈલ રણકી ઉઠ્યો,
એકદમ અધીરાઈથી એણે મોબાઈલ હાથમાં લઈને જોયું, તો સામેનાં છેડે સપના હતી. ફોન રીસીવ કરતાં જ સામે ગભરાયેલી હોય એમ સપના બોલી,
“વ્યોમા, વિષ્ણુ..વ્યોમા વિષ્ણુ..”
“સપનાં શું થયું મારાં વિષ્ણુને..?” હજી તો સપનાં વધુ આગળ બોલે તે પહેલાં જ વ્યોમા અત્યંત ચિંતાતુર સ્વરે પૂછી બેઠી

“વ્યોમા, વિષ્ણુ સીરીયસ છે, સ્નેહાને બચાવવા જતાં એને ગોળી વાગી ગઈ છે અમે એને હોસ્પિટલ લઈ આવ્યા છીએ, તું બને તેટલું જલ્દી અહીં આવી જા, તને કઈ ફ્લાઈટ મળે છે એ પ્રમાણે કહી દેજે હું રીસીવ કરવા કાર મોકલી દઈશ..”
“પણ કેમ કરતાં આ બધું થયું? મને કંઈક તો સરખી વાત કર.”
“વધુ હવે તું રૂબરૂ આવી જા પછી બધી વાત કરીશ. તું બસ જલ્દી અહીં પહોંચવાની કોશિશ કર.”
આટલું સાંભળતાં જ મોબાઈલની સાથે જ વ્યોમા પણ નીચે ફસડાઈ પડી, અને બેશુદ્ધ થઈ ગઈ.
આસપાસ બીજા શિષ્યો ભેગા થઈ ગયા અને એમણે ગુરુજી તથા રાહુલને તરત જાણ કરી.
વ્યોમા ને જ્યાં હોશ આવ્યા ત્યાં સામે બધાં શિષ્યો અને રાહુલ દેખાયો.
રાહુલને જોતાવેંત જ તે પુરા ખુન્નસથી રાહુલ તરફ ધસી ગઈ, અને તેનો કોલર પકડીને બરાડા પાડીને કહેવા લાગી,
“રાહુલ, પડી ગઈ ને તારા કાળજામા ઠંડક..? મળી ગઈ તારા જીવને શાંતિ..? તારા પાપોની સજા આજે વિષ્ણુને મળી છે. જો મારાં વિષ્ણુને કંઈપણ થઈ ગયું, તો રાહુલ હું તને ક્યારેય માફ નહીં કરું.”
રાહુલની છાતી પર હાથ પછાડતી વ્યોમા આટલું બોલીને ફરી ત્યાં જ ફસડાઈ પડવાની હતી, ત્યાં રાહુલે જ એને પડતી બચાવીને પૂછ્યું,
“આટલાં બધાં આરોપો મૂકતાં પહેલાં મને તું કહે તો ખરી, કે વિષ્ણુને થયું છે શું..? તું કેમ મને આવું બધું કહે છે?
“જે શાર્પ-શૂટરને તમે લોકોએ સ્નેહાને મારવા મોકલેલો, એ શાર્પ શૂટરની ગોળીથી સ્નેહાને બચાવવા જતાં એ ગોળી મારા વિષ્ણુને છાતીમાં વાગી ગઈ છે, અને તેની હાલત બહુ નાજુક છે એમ સપનાએ હજું હમણાં જ ફોન કરીને મને કહ્યું. મારે જલ્દીથી વિષ્ણુ પાસે જવું છે. હું હમણાં જ નીકળું છું અહીંથી.”
“ઓહ, માય ગોડ..” રાહુલના મોં માંથી ઉદગાર નીકળી ગયો, અને માથા પર હાથ દઈને ત્યાં જ પલંગ પર બેસી ગયો પણ થોડીવારમાં જ પોતાની જાત સંભાળીને એણે તરત જ વ્યોમા ને કહ્યું,
“ગભરાઈશ નહીં વ્યોમા, હું પણ આવું છું તારી સાથે. હું કંઈ જ નહીં થવા દઉં આપણા વિષ્ણુને. મારી પર ભરોસો રાખ. મારા કર્મોની સજા હું ક્યારેય વિષ્ણુને તો નહીં જ ભોગવવા દઉં.”
.
વ્યોમાને થોડી હિંમત અને વિશ્વાસ આપીને રાહુલે તરત જ કાર કાઢીને બનતી ઝડપે વ્યોમાને લઈને કાર એરપોર્ટ તરફ હંકારી મૂકી.
નીકળતાં પહેલાં જ એણે પોતાનાં ટ્રાવેલ એજન્ટને ફોન કરીને ફ્લાઈટમાં બે ટીકીટ બુક કરવા કહી દીધું હતું તેથી તેઓ હજી એરપોર્ટ પહોંચે તે પહેલાં જ રાહુલના મોબાઈલમાં બુકિંગનો મેસેજ બ્લીંક થયો.
સદભાગ્યે એમને પોન્ડીચેરીથી બેંગ્લોર માટે સાંજે ૪.૫૫ વાગ્યાની એર ઇન્ડિયા ની AI-951૦ ફ્લાઈટ અને સામે બેંગ્લોરથી અમદાવાદ માટે સાંજે ૭.૨૫ વાગ્યાની એર કોસ્ટાની LB-613 ફ્લાઈટની ટીકીટ મળી હતી, જે તેમને રાત્રે ૯.૪૦ વાગ્યે અમદાવાદ પહોંચાડી દે એમ હતી.
સમય સાથે વ્યોમાની વ્યાકુળતા પણ જાણે વધતી જ જતી હતી. રાહુલે એને બહુ સમજવાની કોશિશકરી પણ વ્યોમાનું મગજ જાણે કામ કરતું જ બંધ જ થઈ ગયેલું.
રાહુલના કહેવાથી ફ્લાઈટની ડીટેલ વ્યોમાએ સપનાને ફોરવર્ડ કરી દીધી, જેથી સમયસર કાર રીસીવ કરવા આવી જાય. જેવો ફ્લાઈટનો સમય થયો કે બેઉ જણે ચેક ઇન કરીને બોર્ડીંગની વિધી પતાવી.
અમદાવાદ એરપોર્ટ પર પોણા દસ થવા આવ્યા હતાં, ને ફ્લાઈટ લેન્ડ થઈ. બનતી ત્વરાએ ચેક આઉટ પતાવીને અગિયાર વાગ્યાની આસપાસ બંને સપનાંની કારમાં હોસ્પિટલ પહોંચી ગયાં.
હજી તો કારને પૂરી બ્રેક લાગે, તે પહેલાં જ કારનો દરવાજો ખોલીને વ્યોમાં રીસેપ્શન તરફ ધસી ગઈ અને ત્યાંથી વિષ્ણુ કયા વોર્ડમાં છે એની ઇન્ક્વાયરી કરતી જ હતી, કે ત્યાં જ સામેથી સપનાં આવી પહોંચી ને વ્યોમાને કહ્યું કે, ‘વિષ્ણુ હવે ખતરાથી બહાર તો છે પરંતુ હજીયે ૪૮ કલાક એકદમ ક્રીટીકલ છે’
અને વાત કરતાં કરતાં સપનાં વ્યોમા અને રાહુલને લઈને આઈ.સી.સી.યુ. વોર્ડ દોરી ગઈ જ્યાં વિષ્ણુ દાખલ હતો.
કોરીડોરમાં બેઠેલી સ્નેહાએ પણ વ્યોમાને સધિયારો આપવાની કોશીશ કરતાં કહ્યું કે,
“આંટી વિષ્ણુ ને કંઈ જ નહીં થાય તમે ચિંતા નહીં કરો.”
પણ વ્યોમા એ સાંભળ્યું ન સાંભળ્યું કરી સીધા આઈ.સી.સી.યુ. ના ડોરને એકદમ અધીરાઈથી ખોલ્યુંને રૂમમાં પ્રવેશતાં જોયું તો વિષ્ણુ જાણે તાજું જન્મેલ બાળક ન હોય, એમ એકદમ શાંતિથી ગાઢ નિદ્રામાં સૂતેલો હતો, કોઈ નાનાં બાળક જેટલી જ માસુમિયત વિષ્ણુના ચહેરા પર જણાતી હતી,
કાયમ કરચલીઓથી ભરેલા કપાળ પર આજે એકપણ કરચલી નહોતી. જો કંઈ ચિંતાજનક હતું તો તે હતું કે તેના હ્રદય અને છાતીના ભાગ પર વીંટળાયેલું બેન્ડેજ.
વિષ્ણુના બેડની પાસે રાખેલીં ચેર પર વ્યોમા બેસી ગઈ, ને બરોબર પાસે જ રાહુલ ઉભો રહ્યો.
વ્યોમા એક મમતા સભર નજરે વિષ્ણુને જોઈ રહી, ને તેના કપાળ પર ખુબ પ્રેમથી હાથ ફેરવતી ફેરવતી બોલી,
“મારા દીકરા તને મારી પણ ઉંમર લાગી જાય, હું તને કંઈ જ નહીં થવા દઉં.”
આટલું બોલીને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
આ જોતાં ત્યાંની નર્સે સુચના આપી શાંતિ જાળવવાની સૂચના આપતાં રાહુલ અને સપનાં તેને રૂમની બહાર લઈ ગયાં, પણ કેમ જાણે વ્યોમાનું મન જાણે આજે વિષ્ણુનું માથું ખોળામાં લઈને હાથ પસરાવતાં પસરાવતાં સૂવડાવવા અધીરું બન્યું હતું.
વ્યોમાની આંખો ચોધાર આંસુ સાથે ઇશ્વરને પોકારતાં એકદમ યાચના ભર્યા સ્વરથી નીતરી રહી હતી.
સપનાં અને સ્નેહાએ વ્યોમાને જેમ તેમ કરીને શાંત પાડી પણ એને ગળે હજું ડુમો બાઝેલો જ હતો,
સપનાએ રાહુલને અને વ્યોમાને પોતાનાં ઘરે જઈને આરામ કરવા સમજાવ્યું.
થોડી આનાકાની અને સ્નેહાની વિષ્ણુ પ્રત્યેની ચીવટ જોતાં વ્યોમા સપનાંના ઘરે જવા તૈયાર થઈ પણ એની નજર તો હજુંય આઈ.સી.યુ નાં ડોરની પાછળ પોઢેલાં વિષ્ણુ પર જ હતી..!
.
રાહુલ, વ્યોમા અને સપનાંએ હજી તો કોરીડોર વટાવીને લીફ્ટ પાસે જ પહોંચ્યાં હશે કે ત્યાં જ ઇન્સ્પેકટર ડોબરિયા અને સબ ઇન્સ્પેકટર ચારણ બીજા બે કોન્સ્ટેબલો સાથે ત્યાં આવી પહોંચ્યા.
“મી.રાહુલ, અમારી પાસે તમારી ધરપકડ કરવાનું વોરંટ છે.”
રાહુલ અચંબિત રહી ગયો.
“પણ મારો ગુનો? અને નવાઈ તો મને એ લાગે છે કે મારા પોંડીચેરીથી અમદાવાદમાંના આગમનની જાણ તમને લોકોને આટલી જલ્દી થઇ કેવી રીતે?”
“તમારો ગુનો તો તમે જાણો જ છો. અને રહી તમારા આગમનની અને સ્વાગતની વાત, તો એકવાર પોલીસ સ્ટેશન આવો એટલે દિગ્વિજય આપની આખી કુંડલી તમારી સામે મૂકી દેશે.”
.
રાહુલ પણ જાણે કોઈપણ જાતનો પ્રતિકાર કરવા માંગતો ન હોય, એમ તાબે થઈ ગયો.
પરંતુ જતાં જતાં વ્યોમાને ભેટી પડ્યો, ને પોતાની દરેક ભૂલની માફી માંગતો હોય એમ દયામણા પણ મક્કમ ચહેરે એ પોલીસ ઇન્સપેક્ટર ડોબરીયા અને ચારણ સાથે જવા માટે, પાછળ જોયા વિના જ ચાલી નીકળ્યો.
સપનાને વાતની કોઈ જ ગડ ન પડી, પણ હાલને તબક્કે તેણે વ્યોમને કંઈ પણ પૂછવાનું મુનાસીબ ન સમજ્યું. જો કે રાહુલનો ગુનાહિત ભૂતકાળ અત્યારે તેની પાસે જવાબ માગી રહ્યો છે તેવો થોડો એવો અંદાજો તેને આવી ગયો.
વ્યોમાએ પણ ‘સ્નેહાને મારવાના કારસામાં રાહુલની સંડોવણી’ની વાત હમણાં સપનાને ન કરવી જ ઉચિત સમજી. જોકે, સ્નેહા અને વિષ્ણુને લીધે થતા હોસ્પીટલની દોડધામમાંથી એકવાર સપના મોકળી થઇ જાય પછી તેને બધું જ ખુલ્લા મને કહી દેવાનું વ્યોમાએ નક્કી કરી, હોસ્પીટલમાંથી એકલા જ વિદાય લીધી.

********

“નહીં મમ્મી, તું ગમે તે કહે, હું વિષ્ણુને જ્યાં સુધી હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ નહીં મળે ત્યાં સુધી અહીંથી ખસવાની નથી, એટલે તું એ જીદ છોડી દે. અને તું ઘરે જા, ને આરામ કર. મારી ચિંતા નહીં કર.”
રાહુલ અને વ્યોમાના ગયા પછી, સપનાએ ફરી એકવાર દીકરીને ઘરે આવી જવા માટે આગ્રહ કરી જોયો ત્યારે એકદમ અકળાઈને આવો જવાબ આપીને સ્નેહા તેની પાસેથી ઉભી થઈ ગઈ.
સપનાં પણ દીકરીની જીદ આગળ લાચાર બનીને એના માથા પર હાથ ફેરવી ઘરે જવા નીકળી.
સ્નેહા ફરી પાછી કોરીડોરના એ જ સોફા પર આવીને બેસી ગઈ.
હોસ્પીટલમાં બીજા કોઈનો સથવારો ન હતો, ત્યારે સ્નેહાને આ નિર્જીવ સોફો અને સાવ જ જીવંત લાગતી કૃષ્ણ ભગવાનની મૂર્તિનો જાણે સાથ જ હતો. સોફા પર બેસતાંની સાથે જ એનું મગજ રોહને આજે ફોનમાં કરેલ રુક્ષ વર્તનથી ઘૂમરાવા લાગ્યું,
“રોહન, તું આટલાં દિવસમાં એકવાર પણ કેમ મને મળવા નહીં આવ્યો..? મેં તને ફોન પણ કર્યો પણ તો તું ન તો મળવા આવ્યો કે ન કોઈ ફોન કર્યો, તારી સ્નેહાનો જીવ બચાવનારને એકવાર જોવા આવવાનું પણ તને મન ન થયું..?”
“સ્નેહા, તું વિષ્ણુની સારસંભાળ લેવામાંથી ફ્રી પડે, પછી હું આવીશ તને મળવા. બાય.”
આટલું કહીને જાણે ફોન નહીં, પણ સ્નેહાનાં હ્રદય પર તેણે ઘા કર્યો હોય એવું સ્નેહાને લાગ્યું.
મગજમાં સતત એક જ વિચાર ઘુમરાયા કરતો હતો, કે રોહન આમ અચાનક આટલો કેમ બદલાઈ ગયો..?
એ રોહન જેણે પોતાનું અપહરણ થયેલું, ત્યારે પોતાનાં જીવની પણ પરવા કર્યા વિના અપહરણકારોનો પીછો કરેલો. અને બીજી વાર જયારે વિષ્ણુએ હુમલો કર્યો હતો, ત્યારે એના કેટલાંય સાગરીતો સામે એકલો બાથ ભીડી ગયેલો. આ એ જ રોહન છે? તો તેનું વર્તન આટલું બધું કેમ બદલાઈ ગયું? એવું તે અચાનક શું થયું હશે..?
એક બાજુ રોહનનું આવું બેદરકારીભર્યું વલણ, તો બીજી બાજુ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતાં ખાતાં ય વિષ્ણુની આંખોમાં પોતાનાં માટે દેખાતો અપાર પ્રેમ..!!
જ્યારથી વિષ્ણુને ગોળી વાગી છે, ત્યારથી ન ચાહવા છતાં પણ સ્નેહાનું મન વિષ્ણુ તરફ જાણે એક ખાસ પ્રકારનું ખેંચાણ અનુભવતું હતું.
હોસ્પીટલમાં દવા આપતી વખતે કે બીજા કોઈ કારણોસર વિષ્ણુને થતો અછડતો સ્પર્શ પણ જાણે એનાં હ્રદયના અનેક તાર ઝણઝણાવી જતો હોય એવું સતત એને મહેસૂસ થઈ રહ્યું હતું.
સપનાના ઘરે જતાં રહેવાના કેટકેટલાં આગ્રહ વચ્ચે પણ તેનું મન વિષ્ણુ પાસેથી ખસવા જરાય તૈયાર ન હતું.
તે જેવી આંખો બંધ કરતી, કે એની સાથે જ વિષ્ણુની પ્રેમ ભરી નીલી આંખો એની નજરો સામે જાણે તરવરી ઉઠતી. કોઈક અદભૂત લાગણી એને એ આંખોમાં ડોકાતી હતી,
એ શું હતું..?
મોડી રાત સુધી આવા અનેક સવાલોના વમળમાં અટવાયેલી સ્નેહાનું મન જાણે વિષ્ણુ અને રોહન નામનાં બે પડ વચ્ચે પીસાતું રહ્યું. અને હોસ્પીટલનાં જે સોફા પર એ બેસી હતી એ સોફા પર જ એની આંખ ક્યારે લાગી ગઈ એની એને ખબર જ ન રહી.
*******

આજે દિગ્વિજય મનોમન પોતાની કુશળતા અને ચપળતાથી બહુ ખુશ થઈ રહ્યો હતો અને પોતાની ચેમ્બરની રીવોલ્વીંગ ચેર પર બેસીને અત્યાર સુધી બનેલી ઘટનાઓ જાણે વાગોળવા લાગ્યો.ગુજરાત રાજ્ય મંત્રી-મંડળનાં મહત્વનો પોર્ટફોલિયો ધરાવતા યશપાલસિહ પર ગોળીથી હુમલો થતાં એક ઇન્ટરનેશનલ લેવલનાં કેસ પરનું કામ પડતું મુકાવીને તેને રાતોરાત આ કેસ સોલ્વ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો. આ કેસનું કનેક્શન અમેરિકામાં સ્નેહાનું થયેલ અપહરણ સાથે દેખાતા તેની તપાસ છેક અમેરિકામાં ઈન્ટરપોલ સુધી પહોંચી ગઈ. આગળ જતાં આનો છેડો વિષ્ણુ, રાહુલ, અને પછી પોંડીચેરી આશ્રમમાં બિરાજમાન ગુરુજી સાથે જોડતા આખરે જેની પર હુમલો થયો હતો તે યશપાલસિંહ જ બધી રીતે પૂરો દેખાતા ધીમે ધીમે તેના બધાં કારનામાં સામે આવવા લાગ્યા. આ બધું જ.. એનાં માનસપટ પર જાણે રીવાઈન્ડ થઈ રહ્યું, અને સાથે થોડા અઠવાડિયા પહેલાની થોડી આટાપાટા વાળી ઘટનાઓ તેની નજર સામે તરવરી ઉઠી.
. દિગ્વિજય યશપાલ ના કેસમાં કોઈ કાચું કામ ન કરવા માગતો હતો એટલે તેણે યશપાલના આખા સ્ટાફ થી માંડી સ્નેહા સપના અને વ્યોમા સુદ્ધા પર વોચ ગોઠવી હતી અને તે બધાના મોબાઈલ ફોન અને લેન્ડ લાઈન ટેપ કરવાથી માંડી તેમની સોશ્યલ મીડિયા પરની એક્ટીવીટી પણ દિગ્વીજયના ધ્યાન બહાર નહોતી. એક દિવસ દિગ્વિજય આમ જ પોતાની ચેમ્બરમાં આ બધાં વ્યક્તિઓના અપરાધિક સાંઠગાંઠ પર વિચાર કરી રહ્યો હતો ત્યાં તેનો આસિસ્ટન્ટ પંડ્યા અધીરાઈથી ચેમ્બરમાં પરવાનગી સાથે પ્રવેશ્યો અને કહ્યું,

“સર, સ્નેહાના મોબાઈલ પર થોડી શંકાસ્પદ હરકત દેખાય છે.”

“હરકત….? કેવી હરકત…? એનીથિંગ સીરીયસ.. પંડ્યા ?”

“યસ સર, સ્નેહાના મોબાઈલ પર કોઈ અજાણ્યા નમ્બર પરથી ઓડ ટાઈમ પર ફોન આવે છે અને જેના પર લાંબી વાતચીત પણ ચાલે છે..”

“ઓડ ટાઈમ મીન્સ…?”

“સર, એ કોલ યા તો સવારે વહેલો આવે છે યા તો મોડી રાતે આવે છે…”

“ઓહ..! સ્નેહાના મોબાઈલ પર આવો કોલ તો સાચે જ નવાઈની વાત કહેવાય….હેવ યુ ટ્રેસ્ડ ધી કોલ…”

“સોરી સર, અમે હજી કોલ ટ્રેસ કરી નથી શક્યા….”

દિગ્વિજય હવે અસલ પોલીસ મિજાજમાં આવી ગયો અને અકળાઈને કહ્યું,

“તો શું જખ મારો છો તમે લોકો….?આઈ ડોન્ટ વોન્ટ એની કાઈન્ડ ઓફ ઈર્રીસ્પોન્સીબ્લ એક્ટ પંડ્યા….જસ્ટ બી સ્યોર….પુરેપુરી વોચ રાખો અને નેક્સ્ટ ટાઇમ એ નંબર પરથી કોલ આવે તો તેની બધી ડીટેઈલ્સ મારે મારાં ટેબલ પર જોઈએ, અન્ડર સ્ટેન્ડ..?”

“ઓકે સર…”

ગિન્નાયેલા દિગ્વિજય સામે પંડ્યાની ન તો બોલવાની હિંમત હતી કે ન તો તે તેને વધુ અકળાવવા માંગતો હતો એટલે ટૂંકાક્ષરી જવાબ આપીને ચેમ્બર માંથી નીકળી જવું જ તેને હિતાવહ લાગ્યું.

આ ઘટનાનાં બે દિવસ પછી જ ફરી પંડ્યા એ દિગ્વીજયની ચેમ્બરમાં પ્રવેશ કર્યો પરંતુ આ વખતે તેની આંખોમાં ચમક હતી, તેના ચહેરા પરની ઉત્સુકતા જોઈ દિગ્વિજયે સામેથી જ પૂછ્યું,

“એની ગુડ ન્યુઝ…પંડ્યા…?”

“યસ સર, વી હેવ અ ગુડ ન્યુઝ…..”
“વોટ ઇઝ ધેટ..ડેમ ઈટ…ટેલ મી….હવે તો આ કેસ માં ગુડ ન્યુઝ સાંભળવા હું તરસી ગયો છું….”

“સર, ગઈકાલે રાતે સાડા બાર વાગ્યે સ્નેહાને ફરી એ જ નમ્બર પરથી કોલ આવેલો અને આ વખતે અમે કોલ ટ્રેસ કરી તેનું લોકેશન અને સીમ નું રજીસ્ટ્રેશન કોના નામે છે એ બધી જ જાણકારી મેળવવામાં સફળ થયાં છીએ…અને સર તમે ન માની શકો એવી વ્યક્તિ આ નમ્બર પરથી સ્નેહાને કોલ કરે છે..”

“વુ ઇઝ ધેટ બ્લડી ફેલો…?”

“ સર એ નમ્બર આમ તો કોઈ જીતુ પટેલના નામે રજીસ્ટર થયેલો છે પરંતુ જીતુ ભાઈની જરા આપણી સ્ટાઈલમાં પૂછપરછ કરતાં એ ભાઈએ પોપટની જેમ પઢી દીધું કે એ નમ્બર હાલ રોહન દેસાઈ વાપરે છે…”

“ ઓહ માય ગોડ..!! રોહન સ્નેહાને એ નમ્બર પરથી કોલ કરે છે …? જરૂર દાળ માં કૈંક કાળું છે…પંડ્યા…”

“યસ સર, મને તો આખી દાળ જ કાળી લાગે છે…”

“એનીવેઝ, ગુડ જોબ પંડ્યા…હવે એક કામ કર, તારા ખબરીઓને એક્ટીવેટ કર અને રોહન પર વોચ ગોઠવી દે…..આઈ વોન્ટ રીપોર્ટ ઓફ ઈચ એન્ડ એવરી મિનીટ ઓફ ધેટ ગાય….ડુ ઈટ નાઉ..”

ભાગ્યેજ કોઈની પ્રશંસા કરતાં દિગ્વિજય પાસેથી પોતાનાં વખાણ સાંભળી મનોમન ખુશ થઈને પંડ્યા ચેમ્બરની બહાર નીકળી ગયો પોતાના ખબરીઓના નેટવર્ક ને સક્રિય કરવા તેમજ રોહન પર નજર રાખવા પોતાના બાહોશ સહાયકોને કામે લગાડવાની કવાયત શરુ કરી દીધી. શરૂઆતમાં તો રોહનની કોઈ ખાસ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા ન મળી અને ખાસ કોઈ સફળતા પણ ન હાથમાં આવી, પણ ત્રીજા દિવસે સવારમાં પંડ્યાના એક ખબરીએ ચોંકાવનારા સમાચાર આપ્યા અને પંડ્યા તે સમાચાર દિગ્વિજયને આપવા તલપાપડ થઇ ગયો પણ દિગ્વિજય આજે કોઈ કેસ ના સંદર્ભે બહારગામ હોવાથી તેણે એક પણ ક્ષણ નો વિલંબ કર્યા વિના દિગ્વિજયને કોલ કર્યો, થોડી રીંગ વાગ્યા બાદ દિગ્વિજય કોલ રીસીવ કર્યો…

“યસ પંડ્યા, એની ઈમરજન્સી…?”

“યસ સર, આઈ હેવ ગોટ એન અનબિલીવેબલ ઇન્ફોર્મેશન..”

“વોટ્સ ધેટ….? ટેલ મી ક્વિકલી ”

“સર, રોહન પર નજર રાખતાં માલુમ થયું છે કે થોડા દિવસથી તે ડ્રગ ડીલરોને નિયમિત મળે છે…અને ન માની શકાય તેવા લોકો સાથે તેનું કનેક્શન છે..અને સર મારા ખબરીઓ પાસેથી મને પૂરતાં પ્રૂફ પણ મળી ગયા છે…”

“ઓહ..! ધેટ્સ રીઅલી શોકિંગ…..! પંડ્યા હવે એક પણ ક્ષણ નો વિલંબ કર્યા વિના રોહનને આપણી ઓફિસ માં ઉપાડી લાવો..લાગે છે મારે રોહનની સરભરા કરવી જ પડશે…..હું આજે સાંજ સુધીમાં મારું કામ પતાવીને ઓફીસ પહોંચી જઈશ ત્યાં સુધીમાં મારે રોહન ઓફીસ પર હાજર જોઈએ છે પંડ્યા …અને તેની દરેક હરકતો ની ડીટેઇલ મને વોટ્સએપ કરી દે…”

“સ્યોર સર……હું હમણાં જ જાડેજા સાહેબને લઈને રોહનને આપણે ત્યાં મહેમાન બનાવવાની કાર્યવાહી કરવા માંડું છું….”

“ઓકે..”

દિગ્વિજયે કોલ ડીસ્કનેક્ટ કર્યાની સાથે જ પંડ્યા બીજા કોલ્સ કરવામાં લાગી ગયો, આ બાજુ દિગ્વિજય આ આંચકા જનક ખબર સાંભળીને હવે કઈ રીતે રોહન પાસેથી બધી હકીકત જાણવી તેનો પ્લાન ઘડવા માંડ્યો.

***********************************************

“મને અહીં શા માટે લઇ આવ્યા છો અને બે કલાકથી કેમ બેસાડી રાખ્યો છે…?”
સ્પેશ્યલ ક્રાઈમ બ્રાન્ચની ઓફીસના ઇન્ટરોગેશન રૂમ માં બે કલાકથી લાકડાંની સપાટ ખુરશી પર બેસી બેસી ને ગિન્નાયેલા રોહને પંડ્યા ને પૂછ્યું.

“કઈ નહીં રોહન ભાઈ અમારા સાહેબ તમારી સાથે જરા પ્રેમાલાપ કરવા માંગે છે એટલે તમને અહીં લાવવામાં આવ્યા છે…!!”

પંડ્યાએ જરા મસ્તી ભર્યો જવાબ આપતાં રોહન વધુ અકળાયો અને કહ્યું,

“તો તમારા સાહેબને જલ્દી બોલાવો બાકી મારે મારાં વકીલને ફોન કરવો પડશે…”

“બસ થોડી ધીરજ રાખો આવતાં જ હશે…”

પંડ્યા હજી તો આટલા શબ્દો બોલી રહ્યો ત્યાં વાવાઝોડાની જેમ દિગ્વિજય ઇન્ટરોગેશન રૂમમાં દાખલ થયો. રોહનને સામે બેસેલો જોયો પણ તેને આ રોહન કંઈક જુદો જ લાગ્યો. અપરાધીઓને તેના ચહેરાના એક્ષ્પ્રેસ્ન્સ પરથી જ ઓળખી જતો દિગ્વિજય રોહનના ચહેરાને ડોળા ફાડીને જોય રહ્યો અને પછી પોતાની આગવી ઢબે પૂછપરછ ની શરૂઆત કરી.

“બોલો મી. રોહન દેસાઈ આ બધું શું ચાલી રહ્યું છે…? તમે આજકાલ નિશાચર થઇ ગયા છો એવું સાંભળવામાં આવ્યું છે…? મોડી રાતે ગમે તે સમયે સ્નેહા સાથે ફોનમાં વાર્તાલાપ કરો છો…….?”

“સર, કંઈ જ તો નથી ચાલી રહ્યું…સ્નેહાને હું પ્રેમ કરું છું અને તેની સાથે મારે લગ્ન કરવા છે તો તેની સાથે ફોન પર વાત કરવામાં શું વાંધો..?”

“વાત કરવામાં કંઈ જ વાંધો નહીં પણ કોઈ અજાણ્યા સીમ પરથી વાત કરવાની શું જરૂર પડે તમને..? અને એ પણ ઓડ ટાઈમ પર…”

“સર, હું ઇન્ડિયા આવ્યો ત્યારે મારું સીમ બંધ થઈ ગયેલું અને નવું સીમ હજી આવ્યું ન હોવાથી હું મારા ફ્રેન્ડનું સીમ યુઝ કરતો હતો અને આમ જ બધી દોડાદોડીના લીધે દિવસે હું સ્નેહાને કોલ ન કરી શકતો હોવાથી રાતે અથવા વહેલી સવારે નિરાંતે વાત થાય એ માટે ફોન ત્યારે કરું છું, આમાં અજુગતું શું છે…?”

“ચાલો માની લઉં છું કે આજ કારણ થી તમે આવું કરતાં હશો…..અને તમારી વાત સાચી છે કે આમાં અજુગતું કંઈ જ નથી ….પણ અજુગતું એ છે કે તમે હમણાં થોડા સમયથી તમારા ડ્રગ ડીલર મિત્રોને નિયમિત રીતે મળો છો….એની પાછળ નું કારણ કહો મી. રોહન…”

દિગ્વિજયે જાણે બોમ્બ ફોડ્યો હોય તેવી રીતે રોહન ડઘાઈ ગયો અને ઉપર નીચે બધી જ જગ્યાએથી તેને પસીનો છુટી ગયો અને જાણે કે તેનું મોઢું સિવાઈ ગયું. પોતે જરા ખિસ્સા ફંફોસીને રૂમાલ કાઢી પસીનો લૂછવાની કોશિશ કરી….ત્યાં દિગ્વિજયે પોતાના ભારેખમ અવાજમાં ત્રાડ પાડી ફરી પૂછ્યું,

“ટેલ મી મી. રોહન…..”

દિગ્વિજય ની ત્રાડ સાંભળી રોહન વધુ ગભરાઈ ગયો અને જીભ લોચા વળવા માંડી…

“ સર, હું…હું…..ક્યાં કોઈને મળવા ગયો છું..?…તત…તમને કોઈએ ખોટી બાતમી આપી હશે..”

થોથરાયેલા સ્વરે રોહન માંડ એટલું બોલી શક્યો પણ જુઠું બોલતા દિગ્વિજય વધુ અકળાયો અને તીવ્ર ગુસ્સામાં પૂછ્યું,

“જુઓ મી. રોહન મને જુઠું બોલનારાઓ થી સખ્ત નફરત છે, જૂઠું બોલનારાઓ ને હું ઉંધા કરીને એમની પાસેથી સત્ય ઓકવું છું…સો ટેલ મી ઓન્લી ટ્રુથ યુ રાસ્કલ…”

“સાચે જ સર હું કોઈ જ ડ્રગ ડીલરો ને મળ્યો નથી….તમારી પાસે શું પ્રૂફ છે…?”

“પંડ્યા બતાવ આને પ્રૂફ, બતાવ પેલા ફોટોગ્રાફ્સ જે તે મને મોકલ્યા છે….”

પંડ્યા એ તરત પોતાનો મોબાઈલ કાઢી ને રોહનને ડ્રગ ડીલરોની ગેંગ સાથે હાથ મિલાવતા અને તેની સાથે બેઠેલો હોય તેવા ફોટોગ્રાફ્સ બતાવ્યા. એ ફોટોગ્રાફ્સ જોઇને રોહનના રહ્યાં-સહ્યાં હોશ પણ ઉડી ગયા અને તેને લુઝ મોશન થઇ ગયા હોય તેવી ફિલિંગ આવી. તે ફટાફટ પોતાના ચેહરા પર રૂમાલ ફેરવી પસીનો સાફ કરવા લાગ્યો. અત્યાર સુધી તમે કરીને વાત કરતો દિગ્વિજય હવે આંખોમાંથી અંગારા વરસાવતો ફરી તેની પર તૂટી પડ્યો,

“બોલ સાલ્લા હરામખોર, આમાં કોણ દેખાય છે તું નથી તો શું તારું ભૂત છે…?”
દિગ્વીજયની બોડી લેન્ગવેજ થી ધ્રુજી ગયેલ હોવા છતાં હજીયે રોહન તૂટક શબ્દોમાં પોતાનો નિરર્થક બચાવ કરવા ગયો.

“સર, આ તો આમ જ મારાં એક ફ્રેન્ડ સાથે હું ગયેલો અને મને તો ખબર પણ નથી કે આ લોકો ડ્રગ ડીલર છે….”
રોહનના ખોટાં જવાબે દિગ્વીજયની ધીરજના તમામ બારણાં તોડી નાખ્યા અને તે બરાડી ઉઠ્યો,

“ તું એમ નહીં જ માને સાલ્લા, તને તો મારે સ્પેશ્યલ મહેમાનગતિ કરવી જ પડશે, પંડ્યા ઉપાડો આને અને થર્ડ ડીગ્રી ની જ તૈયારી કરો લટકાવો સાલ્લા ને ઉન્ધો એટલે હમણાં તેને હું સીધો દોર કરી દઉં…”

પંડ્યાએ કોલરથી ઉપાડીને રોહનને ઉભો કર્યો પણ ઉભો ન થયો અને પંડ્યાનો હાથ છોડાવીને પોતે છટકવાની વ્યર્થ કોશિશ કરી પણ દિગ્વિજયે તરત જ તેને પકડીને બંને ગાલ પર પૂરી તાકાતથી એક એક લાફો ચોળી દીધો. લાફો એટલો જોરદાર હતો કે તેના મારથી રોહન નીચે પટકાઈ ગયો અને જેવો પંડ્યા તેને કોલરથી પકડીને ફરી ઉભો કરવા ગયો ત્યાં તો રોહન ડરીને કહેવા લાગ્યો,

“ મને માફ કરી દો સર, મને મારતાં નહીં, હું બધું જ સાચેસાચું કહી દઈશ તમને…..”

રોહનને સાવ ઢીલો પડેલો જોતાં દિગ્વિજયે પંડ્યા ને ઈશારો કરતાં પંડ્યાએ તેને ફરી ખુરશી પર બેસાડી દીધો….અને દિગ્વિજયે કહ્યું,

‘ચાલ હવે ફટાફટ પોપટ બની જા અને બધું જ સાચે સાચું બકવા માંડ નહીં તો હવે હું નહીં મારાં હાથ અને આ લાકડી બોલશે…”
“સર, એક્ચ્યુઅલી હું રોહન નહીં , હું રોહનનો જોડીયોભાઈ સચિન છું…”

“સાલ્લા હરામી હવે નવું જુઠાણું બોલે છે…મારી સાથે ગેમ નહીં રમ રોહન, નહીં તો હું તારી ગેમ કરી નાખીશ..”

“ના સર સાચું કહું છું, હું સચિન જ છું રોહનનો જોડિયો ભાઈ , અમે બંને ભાઈઓ દેખાવ માં અને બધી જ રીતે સાવ સરખાં જ છીએ….કોઈ અમને ઓળખી ન શકે, મને વરસોથી પપ્પા એ અલગ જ રાખ્યો હતો કયાંય બહાર આવવા જ નથી દીધો અને એટલે જ હું આ ડ્રગ ડીલીંગ ના રવાડે ચડી ગયો છું….હું સાચું કહું છું સર મારો વિશ્વાસ કરો…..”

“એમ તારો વિશ્વાસ કરું…? તું સચિન છે તો રોહન ક્યાં છે….?”

ઘડીભર દિગ્વીજયના આ પ્રશ્ન નો જવાબ ન આપવા તેણે હોઠ બીડી લીધાં પણ ફરી જેવું દિગ્વિજયે કરડાકી ભરી નજરે જોયું ત્યાં તે બોલી પડ્યો,

“સર, રોહન ઈઝ નો મોર…થોડાં દિવસો પહેલાં રોહનનું ખૂન થઇ ગયું છે…….”

પંડ્યા, જાડેજા અને દિગ્વિજય ત્રણેયના મોઢાંમાંથી એક સાથે સવાલ નીકળી ગયો…..

“વ્હોટ…????!!!!!”

-આલોક ચટ્ટ.

 

 

 

About શૂન્યતાનું આકાશ

મોટાભાગના ...તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ ...અનુભૂતિઓ ...અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ...! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ ...બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:)

એક પ્રતિભાવ »

  1. Ashish Gajjar કહે છે:

    અભિનંદન ભાઈ, ૫૧મા હપ્તાને એટલોજ રસદાયક રીતે લખવા બદલ.

    Like

  2. Smita Patel કહે છે:

    ૫૦ કડીઓ બાદ ૫૧મી કડી પણ ખૂબ જ રોમાંચક અને આગલી કડીઓ સાથે સુમેળ સાધે એવી છે. ખૂબ સરસ રીતે બધું વર્ણન કર્યું છે. ખૂબ ખૂબ અભિનંદન આલોકજી…..

    Like

Leave a comment