લગભગ કથાકડીની શરૂઆતની કડી વખતે જ નીવાની મેસેજ આવ્યો હતો કે તમે આમાં લખશો પણ સમયની મારામારીએ એ શક્ય ન બન્યું ..બીજી વાર પણ એ જ પુનરાવર્તન ..ને હવે ના પાડવાનો સવાલ નહોતો કે ના પાડી પણ ન શકી ..હા લખતી વખતે ઘણી વાર એમ થયું કે આ લખી શકાય એમ નથી . જેટલું સહેલાઇથી વંચાય જાય છે એટલી સહેલાઇથી લખાતું નથી જ . એક લેખક તરીકેનાં બધા જ ફાંકાઓના ફોતરા ઉડી જાય છે . આગલા બધા જ પાત્રોનો પરિચય મેળવવો પડે ..તેમાં પ્રવેશ કરવો પડે, એ પાત્રોને જેવી રીતે બીજા લેખકોએ લાડ લડાવ્યા હોય એમ જ તેને ઉછેરવા પડે ….ટૂંકમાં બધાની માનસિકતા સાથે લખવું પડે . ને એ પૂરું થાય ત્યારે અનુભવાતી હાશનો આનંદ અનેરો હોય છે . નીવા સાથેના બહેનપણાંએ વધુ એક ઉંચાઈ પ્રાપ્ત કરી છે ..એક નવતર પ્રયોગમાં , જેણે સબળ યોગ ધારણ કર્યો છે તેમાં સહભાગી બન્યાનો આનંદ .સાથે અનેક સહભાગીઓનું આ કડીઓ પ્રત્યેનો લગાવ અને કડીઓને કામયાબ બનવાવવા પાછળની મહેનત ખરેખર કાબિલેતારીફ છે . સૌ ને સ્નેહભર્યા વંદન ..સલામ .

12096215_1015840011792052_8197431177666791645_n

વિષ્ણુને ગોળી વાગતા જ આંખો સામે અંધારપટ છવાયો ..સામે દેખાઈ સ્નેહાની ધૂંધળી તસ્વીર સાથે એક ઝાંખી યાદ ઝબકી.
નાનપણમાં એક વાર ખૂંચેલી ખીલ્લી સાથે મૂકેલી દોડ ..તે પીડા અને 2 દિવસ સુધી સાચવી રાખેલી એ ખીલ્લી..!
આ બધી જ પીડા જાણે એક સામટી આજે છાતીમાં ખૂંપી હોય એવું લાગ્યું અને ધીમે ધીમે આંખ બંધ થતા થતા એ સ્નેહાનો અવાજ સાંભળતો રહ્યો,
“અરે કોઈ બચાવો , પ્લીઝ કોઈ મદદ કરો, કોઈ આને હોસ્પીટલે પહોંચાડો.. વિષ્ણુ તું આંખ ખોલ…! વિષ્ણુ..વિષ્ણુ, તને કંઇજ નહિ થાય બસ તું આંખો ખોલ..વિષ્ણુ..વિષ્ણુ.. !!”
ને પછી સ્નેહાનો એ સ્વર પણ ધીમે ધીમે તેને સંભળાતો બંધ થયો.
સપનાએ સમયસુચકતા દાખવીને કરેલા ફોનને કારણે ફક્ત ૧૦ મિનિટમાં જ એમ્બ્યુલન્સ આવી અને વિષ્ણુને સીધો હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં લઈ જવાયો.
ડોકટરોની પૂરી ટીમ થોડી જ વારમાં પહોંચી ગઈ અને મરણ સામે લડત લડતા વિષ્ણુને લઈને ઓપરેશન થિયેટરમાં જીવન દેવા લઈ ગઈ.
તે થોડો એવો સમય પણ સ્નેહા માટે તો જાણે જીવન આખાનો ખેલ બનીને રહી ગયો.
પોતાને મારવા આવનારું કોણ હશે?  વિષ્ણુ કેમ વચ્ચે આવ્યો?  આ બધું શું થઇ રહ્યું હતું?
તેના નામે લખાયેલી ગોળી જો આજે વિષ્ણુને નામ થશે, તો એ જીંદગીભર પોતાને માફ નહીં કરી શકે ..!!! આવા કેટલાય વિચારો જાણે સ્નેહાના મનમાં ઘમસાણ મચાવી રહ્યા.
પરિસ્થિતી જાણે કરવટ બદલીને કઇં બાજુ ફરી ગઈ !!!.
.
વિષ્ણુના છેલ્લા શબ્દો હજુ જાણે કાનમાં પડઘાતા હતા- “સ્નેહા, હું ક્યારેય આસ્તિક હતો નહિ, ભગવાનના નામ માત્રથી પણ મને ચીડ હતી, તેમણે ક્યારેય મને ન્યાય કર્યો નથી, પણ આજની એક ક્ષણ તેણે એવી આપી છે, કે તેના દરેક અન્યાય માફ છે. તારા હ્રદયમાં ભલે મારું નામ તેણે ન લખ્યું, પણ તારા હ્રદય માટે લખેલી ગોળીમાં મારા હ્રદયનું નામ લખીને ઉપરવાળા એ મારા પર ખુબ મોટો ઉપકાર કર્યો છે.  હું તેનો આભારી છું કે તારી બાહોંમાં મને એક સુંદર મૃત્યુ આપ્યું છે.  ‘પોતાના પ્રેમની બાહોંમાં મૃત્યુ’ આથી સુંદર કશું હોઈ શકે નહિ સ્નેહા..!”
ને સ્નેહા સફાળી ઊભી થઈ ગઈ. તેના પગ કોરિડોરમાં રાખેલી શ્રીકૃષ્ણની મુર્તિ તરફ વળી ગયા.
આપોઆપ હાથ જોડાયા, અને આંસુઓ સાથે તે પ્રાર્થના કરતી રહી.
બધો જ ભાર તેણે જાણે સર્વશક્તિમાન પર છોડયો.
.
આજે વિષ્ણુને આઇસીયુમાંથી બહાર સ્પેશ્યલ વોર્ડમાં ખસેડવામાં આવવાનો હતો.
છેલ્લા બે દિવસ સ્નેહા જાણે સાનભાન ભૂલીને બસ હોસ્પીટલને જ ઘર માનીને રહી હતી.
આ બે દિવસ દરમિયાન તેના મનમાં તુમુલ યુધ્ધ ચાલ્યું હતું. મ્હાય ઘણીયે  ઊથલપાથલ થઇ રહી હતી. સપના સાથે બહાર જવું. મોલમાં કોઈની હાજરીની અનુભૂતિ થવી, અને પછી એકાએક ક્યાંકથી ગોળી છૂટવી, અચાનક વિષ્ણુની પ્રગટ થવું, તેને ધક્કો મારીને આવનારી ગોળીને ઝીલી લેવી, ગોળી વાગતા જ છુટેલા લોહીના ફુવારાઓ અને એ લોહીથી તરબતોળ વિષ્ણુનું સંવેદનશીલ થઇને બધું બોલી જવું. પોતાની લાગણીઓને વ્યક્ત કરીને તેણે પોતાની આંખો એવી રીતે બંધ કરવી જાણે કે એ આ વાત પછી ક્યારેય ઉભો ન જ થવાનો હોય.
શું થઇ રહ્યું હતું એની સાથે..?  સમયની આ રમતને તે ક્ષણભર પણ સંભાળી શક્તી ન હતી.
.
ઓપરેશન થિયેટરની લાલ લાઇટે જાણે સ્નેહાના મનમાં મચાવેલી ઉથલપાથલને એક ચિનગારી ચાંપી હતી. વિષ્ણુના બોલાયેલા શબ્દોની સાથે ન બોલાયેલા શબ્દોના અર્થના તાણાવાણા આ બે દિવસ દરમિયાન ઉકેલવાની કોશિશ કરી હતી.
ત્યાં જ ઓપેરશન થીએટરની લાલ લાઇટ બંધ થઇ. શસ્ત્ર-ક્રિયા પૂરી થયાની એ નિશાની હતી.
ઉત્સુક સ્નેહા ટટ્ટાર થઈને બેસી ગઈ.
ડોક્ટરો બહાર આવ્યા. તેમનાં સ્મિતભર્યા ચહેરાઓએ સ્નેહને અજાણી જ કોઈ ધરપત આપી દીધી.
“ડોક્ટર..? -તે ઉતાવળી બનીને પૂછી બેઠી.
 “ગોળી કાઢી લીધી છે.  કેવી રીતે એ બચ્યો એની અમને તો નવાઈ લાગે છે. ઈટ ઈઝ અ મીરાકલ, એક ચમત્કાર જ સમજો. બટ, હી ઈઝ આઉટ ઓફ ડેન્જર નાઉ..!”
આ શબ્દોએ તેને આપેલો હાશકારો એ ક્યારેય ભૂલી નહીં શકે.
ત્યારે જ તેણે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી વિષ્ણુ સાવ સાજો નહી થાય, ત્યાં સુધી તે તેની પાસેથી હટવાની નથી.
આ એ જ વ્યક્તિ હતો જેણે એક વાર તેની જાન લેવાની કોશિશ કરી હતી, ને સાથે સાથે આ તે જ વ્યક્તિ છે કે જેણે પોતાની જાનને જોખમમાં મુકીને તેની જાન બચાવી છે.
આ બે છેડાની ઘટનાના તાળા મેળવવા માટે પણ એને અહીં રોકાવું જરૂરી લાગ્યું
એટલે જ હોસ્પીટલમાં તેની સાથે જ આવેલી તેની મમ્મી સપનાના ઘેર આવવાના આગ્રહને વશ ન થઈને પણ એ ત્યાં જ હોસ્પીટલમાં જ રોકાઈ ગઈ.
******
વેદના જ્યા કડક માસ્તર થઈને જીવનના પાઠ ભણાવે ત્યારે એ પાઠ ભણેલો વિદ્યાર્થી જીવનના કોઈ પણ સંજોગને સામે લડત આપી શકે. અને એવો જ હોંશિયાર વિદ્યાર્થી વિષ્ણુ હતો. પણ વેદનાના વેદની સાથે સાથે એ બીજા કેટલાય પાઠ પણ ભણ્યો હતો.
બીજે દિવસે સવારે જયારે તેની આંખ ખુલી ત્યારે સ્નેહાની એ ધૂંધળી તસ્વીરની ધૂળ જાણે સાફ થઈને સામે કોઈએ રાખી દીધી હોય એમ એ સદેહે સામે દેખાઈ. એ જ સ્નેહા, કે જેણે તેની જિંદગીના માયનાઓ આયનાની જેમ સાફ કરીને સામે રાખી દીધા હતા.
સમજણો થયો ત્યારથી પ્રેમને તો બસ તેણે સ્વપ્નાઓમાં જ અનુભવ્યો હતો.
પણ ન જાણે કેમ ક્યાંથી સ્નેહા પ્રત્યેના સ્નેહની સરવાણીએ તેને જિંદગીને એક જુદા જ દ્રષ્ટિકોણથી પણ જોઈ શકાય એ સમજાવ્યું હતું.
જ્યારથી આંખ ખૂલી હતી, બસ સ્નેહા જ સામે દેખાઈ રહી હતી. તેને નવાઈ લાગી કે સ્નેહા કેમ એની સામેથી હટતી નથી.
તે ઊભો થવા ગયો તો તરત જ સ્નેહા દોડી આવી,
“અરે અરે વિષ્ણુ, ગોળી ખાઈને પણ હજુ ધરાયો નથી? કે આ ઘાવને ભરવા દેવો નથી કે શું? ડોકટરે તને આરામ કરવાનું કહ્યું છે. મગજના બધા જ દરવાજા બંધ કરીને આરામ કર. કઈં પણ જોઈતું હોય તો મને કહે. હું તારી ઇન્ચાર્જ છુ..આઈ મીન હું જ તારી નર્સ છું. ચલ હવે સૂઈ જા, નહીંતર આ ડોક્ટરો મારી છુટ્ટી કરી નાખશે. ચાલ જોઉ મારો હાથ પકડ અને ટેકો લઈને સૂઈ જા..!”
ને વિષ્ણુએ તેનો હાથ ઝાલ્યો.
લાગણીના તારનો ધીમો રણકાર બન્નેનાં હ્રદયમાં ઝંકૃત થયો.
“ચાલ હવે આરામ કર..!” -સ્નેહા એને જલ્દીથી સુવડાવી દીધો.
.
વિષ્ણુ મ્લાન હસ્યો, ને મનમાં બોલ્યો,
“જો તું જ મારી સારસંભાળ કરવાની હોય તો જિંદગીભર આ જ બેડ પર સુવા તૈયાર છું. પણ એવા મારા નસીબ ક્યાંથી?”
અને પછી બસ આંખ મીંચીને ફરી એક વાર તે બધી જ ઘટનાઓને ફ્લેશબેકમાં અનુભવી રહ્યો.
તેની આંખોનું ખૂલવું, સ્નેહાનું નજર સામે હોવું, તેની સારવાર માટે ખડેપગે રહેવું, તેની લાગણી, તેની ભાવના, બધુ જ જાણે એક સુંદર સ્વપ્ના સમાન હતું. અને તે એ પણ જાણતો હતો, કે આ સપનું બહુ જલ્દી પૂરું થઈ જઈ, એક સપનું જ બની રહેવાનું છે.
તો સામે પક્ષે સ્નેહા શું આ બધાથી અજાણ હતી?
ના, જરા પણ નહીં. આ એ જ વિષ્ણુ હતો, કે જેણે તેની રક્ષા કરી હતી અને એ પણ કંઇક જુદા જ કારણોસર..!
.
માણસ જ્યારે કોઇની પાછળ જાન દેવા તૈયાર થાય ત્યારે એટલું તો સમજવું જ કે એ માણસની જાન એ ‘જાન’માં વસતી હોય છે.
વિષ્ણુની કાળી બાજુ તો જાણે ક્યાંય ધોવાઈ ગઈ, અને હવે એ નીલી આંખો જાણે એક પ્રકાશપૂંજ બનીને તેની સામે આવી હતી. વિચારોના વહાણની એ માત્ર વાહક બનીને બેઠી હતી. એ નીલી આંખોનાં વહેણ એને કેમ કોઈ જુદી દિશામાં લઈ જતાં હતા, એની તેને સમજ પડતી નહોતી.
એ નીલી આંખોને બંધ જોઈને, કઈ કેટલાય વિચારોનો તેણે સામનો કરેલો.
અને ત્યારે જ તેને ‘રોહન વખતે અનુભવેલી લાગણી’ અને ‘વિષ્ણુની સાથેનો આ સમય’ જાણે આ બંને પરિમાણો એક થતાં જણાયા.
અને એ પરિમાણોનાં મેળાપે જ તેને કઈક નવું જ વિચારવા મજબૂર કરી.
અને એટલે સ્નેહાને યાદ આવ્યો વિષ્ણુનો પેલો પત્ર, તેની વાતો, તેની સાથે ગાળેલ સમય..!
તેની કાળી બાજુને પાર કરીને જાણે કોઈ જુદા જ રંગના વહેણનું ખેંચાણ એ અનુભવવા લાગી.
આમ કેમ થતું હતું એ જ એને સમજાતું નહોતું. પણ કોઈ અકથ્ય બળે એ હોસ્પિટલમાં ખેંચાઈ આવી હતી, ને હજુ સુધી એ અહીં જ હતી.
એ વિચારી રહી કે, ‘જેના નસીબ જોરમાં હોય એને કોઈ ગોળી જોરમાં વાગી જ ન શકે’ એ વાતનો સચોટ દાખલો વિષ્ણુ જ હતો. ગોળી વાગતા જ તેને હોસ્પિટલે લવાયો, ને તપાસીને તુરત જ ડોક્ટરોએ ફક્ત એટલું જ કહ્યું હતું કે, ‘લેટ્સ હોપ..!’
આ હોપના તાંતણાં ક્યાં સુધી લંબાવાના હતા એની કોઈને જાણ નહોતી.
*****
આ ઘટનાને બી દિવસ વિતી ગયા, પણ તોય રોહનનો કોઈ જ ફોન સ્નેહાને આવ્યો નહીં.
વિષ્ણુ પરના હુમલાનાં ખબર તો અખબારોના પહેલા પાને છપાયેલા હતા, પણ સ્નેહાને લાગ્યું કે રોહન સુધી આ ‘અખબારો’ જાણે પહોચ્યા જ નહીં હોય. એટલે થાકી હારીને આખરે તેણે ત્રીજા દિવસની બપોરે રોહનને કોલ કર્યો.
.
“હેલ્લો રોહન,  તને ખબર છે રોહન.. વિષ્ણુને લાગેલી ગોળી દરઅસલ તો મારા નામની જ હતી. પણ મને બચાવવા જતાં એ ગોળી એને વાગી. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે મને વિષ્ણુએ જ બચાવી.”
“હા સ્નેહા,  હું જાણું છું. અખબારના પાનેપાના ભરાઈને  છપાઈ રહ્યું છે, જે હું શબ્દેશબ્દ વાંચું છું. ચેનલોમાં આ દ્રશ્યો નજરે જોનારાઓના ઇન્ટરવ્યુ આવે છે, તે પણ હું જોઉ છું. અને વિષ્ણુના બોલાયેલા ધીમા શબ્દો પણ મારા કાન સુધી પહોંચી જ ગયા છે.”
“અરે રોહન..! આ તું શું બોલી રહ્યો છે?  જો તને આ બધી જ ખબર હતી તો તું આટલા દિવસો સુધી હોસ્પિટલે કેમ ન આવ્યો?  વિષ્ણુની ખબર કાઢવા તો ન જ આવે, પણ તું મારી ખબર કાઢવા પણ ન આવ્યો? કેમ? રોહન કેમ? આવું કેમ કર્યું તે? કોઈ તારી સ્નેહાને મારવા માગે છે, કોઈ તારી જાનનાં જાનની દુશ્મન બનીને બેઠું છે,  છતાં પણ તને એક વાર એમ ન થયું કે હું જાઉં અને સ્નેહાને મળું?  મારો શું વાંક છે એ તો કહે. એ તો ઠીક, પણ એક ફોન પણ તું ન કરી શકે?  ક્યાં ગયો તારો પ્રેમ?  વિષ્ણુની આ હાલત મારા કારણે થઇ છે, એણે મને બચાવી છે. રોહન, આ વાતનું તારે મન કોઈ જ મૂલ્ય નથી? વિચાર કે જો ગોળી મને વાગી હોત તો? હું અત્યારે અહીં આ હોસ્પિટલમાં હોત તો?”
“જવા દે સ્નેહા ..હમણાં આવી વાતો કરવી અસ્થાને છે. અત્યારે તું વિષ્ણુની સારવારમાં વ્યસ્ત છો, અને હું આ બધી મીડિયાની માયાજાળથી ત્રસ્ત છું.  રાખ હોય ત્યાં ચિનગારી હોય જ, સ્નેહા. કોઈ સાવ અમસ્તા જ મનઘડત ન્યુઝ તો ન જ આપ્યા રાખે ને..! આશા રાખું કે આ ચિનગારી જલ્દીથી બુઝાય જાય, ને એની આગ આપણાં સુધી ન આવે. પણ મને લાગે છે, કે આ ચિનગારીમાં પાણી છાંટવું જોઈએ એની તને હજુ પણ ખબર નથી પડતી. ઉલટાનું ત્યાં રહીને તું આ આગમાં વધારે ને વધારે…પણ જવા દે. ચલ બાય..!!”
‘ધડામ’ કરતો ફોન મુકાયો, અને સ્નેહા ફરી એક વાર ધડામ કરતી કોરિડોરના સોફામાં ફસકાઈ.
આ શું થવા બેઠું છે એની સાથે?
 હજુ કેટલા મોરચે તેને લડત આપવાની છે?
રોહન, કે જેણે અત્યારે તેની સાથે ઊભું રહેવું જોઇયે, તે સામે ઊભો એવા સવાલો કરે છે, કે જેનાં જવાબો તેને કદી મળી શકવાના નથી.
આ એ જ રોહન છે, કે બીજું કોઈ?
તેની સાથે આ શું થઇ રહ્યું છે?
.
વિચારોના વમળમાં ઘેરાયેલી સ્નેહાના ખભે હૂંફાળો હાથ મુકાયો.
ઊંચું જોયું તો સામે તેની મમ્મી, સપના ઉભી હતી.
સ્નેહા તેને વળગી પડી, અને આટલા દિવસોના ભરાયેલા ડુમાને છૂટો દોર આપી દીધો.
‘કોઈ સમજે કે ન સમજે તેના માબાપ તો સમજશે જ ને..’ એ ભરોસાએ તેનો સઘળો ભાર ઉતારી નાખ્યો.. સપનાએ તેને રડવા દીધી અને થોડી ક્ષણો પછી કહ્યું,
“બેટા, આજે તું અમારી સામે જીવતેજીવ ઊભી છો, એ જ અમારે મન બસ છે. તારા માથેથી ઘાત ગઈ બેટા. પણ એ ઘાતનો આઘાત સહેનારો વિષ્ણુ છે, એ જાણીને નવાઈની સાથોસાથ દુવા નીકળે છે.  અમે તને આટલા દિવસ તો અહીં હોસ્પિટલમાં રહેવા દીધી, પણ હવે ઘરે ચલ બેટા, તારી હાલત જો અને હજુ પણ તારી પર ખતરો જેમનો તેમ જ છે. અહીં વિષ્ણુનું ધ્યાન રાખવા માટે નર્સ છે, અને જરૂર પડશે તો આપણે બીજી નર્સને રોકીશું, પણ તું ઘરે ચાલ.”
સ્નેહા તુરત જ ઊભી થઈ ગઈ,
“ના મમ્મા, જ્યાં સુધી વિષ્ણુ સંપૂર્ણ સાજો નહીં થઈ જાય, એને હોસ્પિટલમાંથી રજા નહીં આપે, ત્યાં સુધી હું અહીંથી હટવાની નથી. આને તું મારી જીદ સમજે કે મારી ઈચ્છા, પણ હું ઘેર તો નહીં જ આવું.”

— હેમલ દવે

About શૂન્યતાનું આકાશ

મોટાભાગના ...તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ ...અનુભૂતિઓ ...અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ...! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ ...બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:)

એક પ્રતિભાવ »

  1. ansuyadesai કહે છે:

    હેમલ … ખુબ સરસ .
    માત્ર નાની નાની થોડી ટાઈપીંગ મિસટેઈક સુધારી લેશો …
    1) વિષ્ણુની આ હાલત મારા કારણે થઇ છે એને મને બચાવી છે રોહન >> એણે
    ૨) હું અત્યારે અહિ આ હોસ્પિટલમાં હોત તો ? >>> અહિ =સર્પ ,અહીં = આ સ્થળે, અત્રે
    ૩) બુઝાય > બુઝાઈ =ઓલવવાની ક્રિયા
    ૪) આ એ જ રોહન છે કે બીજું કોઈ તેની સાથે આ શું થઇ રહ્યું છે .. ?>>>>
    આ એ જ રોહન છે કે બીજું કોઈ ? તેની સાથે આ શું થઇ રહ્યું છે .. ?

    ———————————————————————————————–
    ૪૯ એપિસોડ વાંચી વાર્તાનો ટેમ્પો જાળવી રાખ્યો એ ખુબ આનંદ અને પ્રંશસા ની વાત છે.

    અભિનંદન

    Liked by 1 person

Leave a comment