કથાકડી….!

નાવીન્યપૂર્ણ આઈડિયા. આ રફતારમાં એક સ્પીડ બ્રેકર હું પણ બન્યો તેનો મને આનંદ છે. કલાઇમેકસ લખવાની મજા જ કંઇક અલગ છે. એમાં પણ, જયારે અશ્વિન ‘દાનો ‘અંબુજા સિમેન્ટ’ જેવો મજબૂત હાથ હોય. નિવાબેનનો અડધી રાત્રિનો ફોન કોલ જેના પછી આ યુનિક કથાકડીમાં એક સાંકળ બનીને સંકલન કરવાની મજા આવી. ખુબ સારી જર્ની રહી. ઈટ ઓલવેય્ઝ હેપન્સ ફોર રિઝન. આવું જ કંઇક મારી સાથે થયું. એક વાર્તા વાંચવા મળી, એ પણ આગળની કડી જોડવા માટે…! આ કડીના તાળા સુધી તો પહોચવું પડે ને દોસ્ત..! આ બધું અશ્વિનભાઈના આશિષથી રસ્તો પસાર કરવામાં એકલતાનો અનુભવ ન થયો. કથાકડીના દરેક મિત્રોને અભિનંદન અને આગળ ભવિષ્યમાં આવી જ વણથંભી સફર ખેડાતી રહે તેવી અભ્યર્થના.

12193553_978224678903151_3986812007498603691_n

આજે સ્નેહા અને રોહન સાથે બેઠા હતા. છેલ્લા ઘણા દિવસથી એ બંને એ તળાવના કાંઠે સાંજે પોતાનો સમય પસાર કરતા હતા. જે કઈ થયું તે ભૂલવા માટે બંને એકબીજાને સહારો આપતા હતા. ધીરે-ધીરે ફરીથી ઇશ્કની એ જ દીવાલોને ચડવા માટે બંને તૈયાર હતા. છુટા પડીને ફરીથી એ અસમંજસની ગાંઠ તોડ્યા પછીની મજા જ કાંઇક અલગ હોય છે. સાતમાં પરવાન સાથે ઇશ્કનો રંગ ચડતો. રોજ બંને વધુ પુખ્તતાથી પ્રેમને આરોગી રહ્યા હતા, ઓડકાર લઇ રહ્યા હતા. કેસર કઢેલી બાસુંદીનો મલાઈદાર પ્રેમ જિંદગીની રેસમાં ભાગીને વધુ કણીદાર બન્યો હતો. થંભી ગયેલા સમય સાથે અવિરતપણે વહેતા રહેવાની મજા લઇ રહ્યા હતા. દરિયાના મોજાની માફક પછડાટ ખાધો, પરંતુ ફરીથી એ જ આસમાને પહોચીને પોતાના નામ કોતરવા બંને તૈયાર હતા. શબ્દોને બદલે માત્ર ઈશારાની ભાષાને જ સ્વીકૃતિ મળી રહી હતી. હૃદયના અંતિમ ખૂણે રંગીન સપનાઓને આકાર આપવાની મનશાઓ સેવાઈ રહી હતી. ભીતિની સાથે લાગણીથી ભીનો સંબંધ એ પ્રેમતંતુ પર ચડી રહ્યો હતો. એ ઝાકળના બૂંદ બનીને નિષ્પ્રાણ જીવનમાં પૂરાતા પ્રાણની ચેતનાનો હૃદયંગમ સંગમ હતો. ‘હું’ અને ‘તું’ ના દિવેટિયામાં ‘અમે’નું ઉંજણ પૂરતી સંવેદનાઓ હતી. અલ્પવિરામની સાથે પૂર્ણવિરામની પૂર્ણતાનો અહેસાસ હતો.

તળાવના સાન્નિધ્યમાં તેઓ બંને શાંતિપૂર્ણ વાતાવરણમાં વાતો કરી રહ્યા હતા. એકબીજાનો પકડેલો હાથ એ બંનેના પ્રેમની મજબૂતાઈની નિશાની હતી. સ્પર્શની સંવેદના એ શરીર પરના રૂંવાડા સજીવન કર્યા. નિર્દોષતાથી બંને એકબીજાના વશમાં હતા. શરીરની જ કુદરતી સુગંધ સ્નેહાની અરોમા અને લોબાનની ખુશ્બોનો મજાક ઉડાવતી હતી. હેમંતની ગુલાબી ઠંડીની શરૂઆત સાથે શરુ થયેલ પ્રણય શિશિરની પાનખરમાં ઝૂમીને વસંતના વાયરામાં વેગવંતી બનીને ગ્રીષ્મની ગરમાહટ સાથેના પરસેવામાં આનંદ લઈને વર્ષાની લીલોતરીમાં હૃદયને નવપલ્લવિત કરીને શરદની શીતળતા સાથે ચરમસીમાએ પહોંચતી હતી. એ મેગ્નેટિક આકર્ષણ બંને ધ્રુવોને ખેંચીને રાખતા હતા.
*****
સ્નેહામાં તેને એવી ‘ઈવ’ મળી હતી જેનો ‘આદમ’ બનવાનું તેને પસંદ હતું. સ્નેહાની આનાકાની વધતા તે પોતાનાથી દૂર જઈ રહી હોય એવું લાગવા માંડ્યું. વર્ષો પછી એ ધગધગતી આત્માને પ્રેમના ફોરે-ફોરે વૃષ્ટિ થઈને શાંતતા મળી હતી એ ફરીથી આગમાં દઝાડતી હોય તેવું લાગતું હતું, જાણે ગરમ તપેલી પર કોઈએ ઠંડુ પાણી રેડ્યું હોય અને સિસકારાની ગુંજ બહુ લાંબી સંભળાય. એ જ સિસકી સાથે બળવો કરવા તરફ વિષ્ણુ આગળ વધતો જતો હતો. એ આકર્ષણ જ એટલું ખતરનાક હતું કે તેના પરિણામ સ્વરૂપ કેટલાયની જિંદગી હોમાઈ શકે તેવી ભીતિ હતી. ઘાયલ સિંહ વધુ તાકાત સાથે હુમલો કરે તે સહજ છે, તેવું જ કંઇક વિષ્ણુનું ખુરાફાતી મગજ કોઈ નવા વિચાર સાથે તોફાની બનતું જતું હતું.

બીજી તરફ રોહન અને સ્નેહા એકબીજાની સાથે વધુને વધુ સમય પસાર કરવા માંગતા હતા. એ બંનેને સાથે જોઇને વિષ્ણુનું હૃદય ઉકળી ઉઠતું. અંતે, કારસો ઘડાઈ ચુક્યો. જિંદગીને તહેસ-નહેસ કરવા માટે વિષ્ણુનું મન ફરીથી એ અંધારી આલમ તરફ વળ્યું. કોણ છે, કોણ નહિ..એની ચિંતા કર્યા વિના જ કોઈકનું પ્રાણપંખેરું ઉડાવવાનું તેણે નક્કી કર્યું.
*****
અચાનક તળાવનું પાણી હિલોળે ચડ્યું હોય તેવું લાગ્યું. કેટલાક લોકો પાછળથી અવાજો સાથે આવી રહ્યા હતા. રોહન અને સ્નેહા બંને એકબીજાના સુખદુઃખની વાતોમાં મગ્ન હતા. પાછળથી કોઈક આવ્યું અને સીધું જ સ્નેહાના વાળ પકડીને તેને ઘસડી. એ અંધારામાં કોણ છે તે જાણી શકાયું નહિ. એ કૃષ્ણપક્ષની ચાંદનીમાં ઘોર અંધકાર છવાયેલો હતો. શ્વાસના ફૂફાડા એ હવાની સાથે અટકી-અટકીને સંભળાતા હતા. રોહનને બે વ્યક્તિઓએ પકડી રાખ્યો હતો. આંખ પર પટ્ટી અને મોં હાથથી દબાવી રાખ્યું હતું. આજની હવાની રફતાર બંને જીવની પરીક્ષા લેવાની હતી.

જાણીતો અવાજ સંભળાયો. કોઈક નજીકનું જ હોય એવો સ્નેહાને આભાસ થયો.
“તું મારી નહિ તો… બીજા કોઈની પણ નહિ.”

એકદમ ક્રુરતાપૂર્વક વાળ ખેંચીને હડસેલા સાથે સ્નેહાના શરીરને ફગાવ્યું. એ અવાજમાં આજે રક્તની બૂંદ શરીરની નસોમાં ખોળી-ખોળીને બોલી રહી હતી. કોઈને ન પામી શકવાની જીજીવિષા દબાયેલી હતી. સ્નેહાને સમજતા જરાયે વાર ન લાગી કે તે વિષ્ણુ છે.

સ્નેહા કરગરી. વિષ્ણુને સમજાવતા કહ્યું, “વિષ્ણુ, હું જાણું છું કે તું મને ચાહે છે. પરંતુ પ્રેમ તો બંનેની ભાગીદારીથી જ થાય. એક બાજુ સિક્કો ખોટો હોય તો એ સિક્કાની કોઈ કિંમત નથી. અને …તું આવી રીતે…” હજુ સ્નેહા કંઇક બોલે ત્યાં જ વિષ્ણુ તેના ચહેરા પાસે પોતાનું નશાને લીધે વાસ મારતું મોં લાવીને બોલ્યો, “સ્નેહા… મારે બસ તું જ જોઈએ. મારે બીજું કઈ જ નથી સાંભળવું.” એમ કહીને વિષ્ણુ પોતાના બે વ્યક્તિઓને રોહનને મારવાનો ઈશારો કર્યો. રોહનનો અવાજ સ્નેહા સાંભળતી હતી. એ દરેક ઘા જાણે પોતાના શરીર પર પડી રહ્યા હોય તેવી લાગણી સાથે કરગરીને વિષ્ણુને મોતનો ખેલ બંધ કરવાનું કહ્યું, આજીજી કરી, વિનવણી કરી…. પણ વિષ્ણુએ ના માન્યું.

નશામાં ધૂત વિષ્ણુ કોઈ જ પ્રકારની માંગણી માન્યા વિના જ સ્નેહાની ગળામાંથી બોચી પકડીને ઉભો રહ્યો. સ્નેહાનો શ્વાસ રૂંધાયો, આંખ સામે અંધકાર આવી ગયો, શૂન્યવકાશ સર્જાયો. આંખની પાંપણ બંધ થવા લાગી. રોહનનો અવાજ પણ બંધ થવા લાગ્યો. ધીરેથી વાતાવરણમાં સન્નાટો છવાયો. પરંતુ તે જ સમયે….

તળાવના કિનારે અમુક માછીમારના છોકરાઓ આ અવાજ સાંભળીને આવતા જોઇને વિષ્ણુની સાથે રહેલા બીજા બંને આદમીઓ સાવધાનીથી વિષ્ણુ પાસે આવ્યા. વિષ્ણુને ત્યાંથી ભાગી છૂટવા સમજાવ્યો. નશામાં રહેલ વિષ્ણુની પકડ ઢીલી થઇ. સ્નેહા ઉધરસ ખાઈને ફરીથી સ્વસ્થ થઈને ભાગી. વિષ્ણુના પગ લડખડાયા અને વિષ્ણુ તેનો પીછો કરવા પાછળ દોડ્યો અને પડ્યો. સમયની નજાકત સમજીને બંને આદમીઓ વિષ્ણુને લઈને ખુલ્લી જીપમાં બેસાડીને પાછો લઇ ગયા.

રોહન અને સ્નેહા ત્યાં જ થોડી વાર સ્વસ્થ થઈને બેઠા. આટ-આટલા દુઃખો અને યાતનાઓ સહન કર્યા પછી તેમના પર આની બહુ અસર થતી નથી. ભાગ્યને કશું જ કહ્યા વિના ઘર તરફ જવા નીકળ્યા. બંને એકબીજાનો સહારો બનીને ચાલતા હતા. વિષ્ણુ પ્રત્યે સ્નેહાની છબી વધુ ખરડાઈ. આજ સુધી મનમૌજી રહેલી સ્નેહા છેલ્લા થોડા દિવસોમાં ઘણી બદલાઈ હતી. બંને એ રસ્તામાં કંઇક જોયું. એક જીપ એક વૃક્ષ સાથે અથડાયેલી હતી. જીપના આગળના બોનેટના કુરચે-કુરચા નીકળી ગયા હતા. વૃક્ષની ડાળીઓમાં કોઈ વ્યક્તિ ફસાયેલો હતો. લોહી-લુહાણ હાલતમાં એ વ્યક્તિ એકલો જીપમાં ગંભીર ઘવાયેલો હતો. ડ્રાઈવરની બાજુની સીટમાં તે બેઠો હતો. રોહન અને સ્નેહાએ આ જોયું. તરત જ તેઓ જીપની નજીક ગયા. સુમસામ રોડ પર કોઈ આદમની જાત જોવા નહોતી મળતી. માત્ર એ જીપમાં બેઠેલો વ્યક્તિ, રોહન અને સ્નેહા.

આખરે એ વ્યક્તિને લઈને રોહન અને સ્નેહા આજુબાજુથી તે માછીમારના છોકરાઓને બોલાવીને એ વ્યક્તિને હોસ્પિટલ સુધી લઇ ગયા. સ્ટ્રેચર પર એ અજાણ્યા આદમને સુવાડ્યો અને સ્નેહાના પેટમાં ફાળ પડી. પગમાં પહેરેલ ચપ્પલ જોઇને તે તણાવમાં આવી ગઈ. જે વ્યક્તિએ તેને થોડી વાર પહેલા જ આટલી બેરહમીથી હેરાન કરી હતી તેની જ મદદ તે કરી રહી હતી, તે વિષ્ણુ જ હતો. ચહેરા સામે જોયું તો એ નશામાં ધૂત ચહેરાની સામે એક લોહીથી ખરડાયેલો પરંતુ નિર્દોષ મુખાકૃતિ જણાઈ રહી હતી. ખબર નહિ કેમ, પણ સ્નેહાને છતાં તેની મદદ કરવાનું મન થઇ રહ્યું હતું. હજુ તેને એવું લાગતું હતું કે એ સમયે વિષ્ણુ પોતે નહોતો, એ નશાથી ધૂત ચહેરો હતો. તેનો મુખોટો હતો, જે તેને આવું કરવા મજબૂર કરી રહ્યો હતો. રોહનનો ગુસ્સો સાતમાં આસમાને હતો. તે વિષ્ણુને હોસ્પિટલમાં સ્ટ્રેચર પર જ મારવા માટે દોડ્યો. પરંતુ, સ્નેહા વચ્ચે પડીને પોતાના પ્રેમની સોગંદ આપીને તેને રોકી રાખ્યો. સ્નેહા એ રોહનને માનવી ધર્મની ફરજ બજાવવાનું કહ્યું. “કદાચ પહેલા ખ્યાલ હોત કે આ વ્યક્તિ વિષ્ણુ છે, તો પણ હું મારી ફરજ બજાવતે જ.” આમ કહીને સ્નેહા એ સમજાવ્યું. વિષ્ણુને ઓપરેશન થિએટરમાં લઇ ગયા.

તરત જ ડોક્ટર બહાર આવીને સ્નેહા એ અને રોહનને કહ્યું, “વિષ્ણુનું બ્લડ ગ્રુપ મેચ આપણી હોસ્પિટલમાં નથી. અરજન્ટ વ્યવસ્થા કરવી પડશે. બાકી, આ વ્યક્તિને બચાવવો અઘરો છે.” ઉપરાંત, આવી હાલતમાં વિષ્ણુ મળ્યો હોવાથી પોલીસ કેસ પણ નોંધાય.

આવા સમયે રોહન એ બ્લડ ગ્રુપનું મેચ લેવા દોડ્યો. સૂનસામ વિસ્તારમાં કોઈ વ્યક્તિ પણ ન મળ્યું. અંતે, વિલે મોઢે અને ખાલી હાથે પાછો ફર્યો. હોસ્પિટલમાં આવતાની સાથે જ રોહને એવું દ્રશ્ય જોયું જેનાથી તેની નજરમાં સ્નેહા વધુ ઉંચી થઇ ગઈ. તેણે સ્નેહાને વિષ્ણુને પોતાનું બ્લડ આપતી જોઇને ગર્વ અનુભવ્યો. વિષ્ણુ બેભાન હાલતમાં હતો. આખી રાત વીત્યા પછી સવારે વિષ્ણુ ભાનમાં આવ્યો. તે હજુ બોલી નહોતો શકતો. માત્ર આજુબાજુ જે કઈ બની રહ્યું છે તેને જોઈ રહ્યો હતો. ડોક્ટર તેની પાસે આવ્યા અને આખી રાત દરમિયાન જે બન્યું તેની માહિતી આપી.

ડોક્ટરે કહ્યું, “એક યુગલ તને લઈને આ હોસ્પિટલમાં રાત્રે ૧૧:30 વાગ્યે આવ્યું. તારી હાલત બહુ ખરાબ હતી. બંને એ તને બચાવવા માટે ખુબ પ્રયત્નો કર્યા. તેને લીધે જ તું આજે કદાચ જીવિત છે. એ યુગલમાં જે છોકરી હતી તેને જ તને કટોકટીમાંથી બચાવ્યો છે. પોતાનું બ્લડ તને આપ્યું છે. એ છોકરી ને છોકરો બંને અસ્વસ્થ જણાતા હતા. છતાં, તને ગમે તેમ કરીને બચાવ્યો છે. તે બંને તને ખુબ સારી રીતે ઓળખે છે. તેઓ આજે સવારે જ હોસ્પિટલ છોડીને ચાલ્યા ગયા છે. તેઓએ પોતાનું નામ આપવાની મને ના પાડી છે.”

આખો દિવસ વિષ્ણુ એ બંને વિષે વિચારતો રહ્યો. કોણ હશે? શું કામ મારી મદદ કરી? મારું આ દુનિયામાં કોઈ હમદર્દ નથી છતાં આ કોણ હશે? છેવટે, વિષ્ણુ પોતાના બેડ પરથી ઉભો થયો. બાજુના બેડ પર એક ઇઅર-રિંગ પડેલી જોઈ. વિષ્ણુ અચાનક રડી પડ્યો. તેને સમજાતું નહોતું કે પોતાના શબ્દોને વાક્યમાં ગોઠવીને કઈ રીતે મુકે….! ભાનમાં આવ્યા પછી પહેલો શબ્દ નીકળ્યો, “સ્નેહા…મને માફ કર.” હોસ્પિટલના અન્ય સ્ટાફ પાસેથી સાંભળવા મળ્યું કે, પોલીસ કેસ ન થાય તે માટે રાત્રે પેલી છોકરી સાથે આવેલા છોકરા એ ખુબ મહેનત કરી. આ ઘટના એમ જ દબાઈ જાય અને સમાચારમાં ન આવે તે માટે તે છોકરાએ આખી રાત પ્રયત્નો કર્યા. રાતોરાત એ એક્સીડેન્ટ થયેલી જીપને ગેરેજમાં લઇ જઈને ભંગાવી નાખી. વિષ્ણુ ભારોભાર પશ્ચાતાપ કરે છે. જેને તે મારવા નીકળ્યો હતો તે લોકોએ જ તેની જાન બચાવી. જેને તે પ્રેમ કરતો હોવા છતાં મારવા દોડ્યો હતો, તેણે જ પોતાનું બ્લડ આપીને જીવ બચાવ્યો.

થોડા દિવસો પછી રજા લઈને વિષ્ણુ પશ્ચાતાપની આગમાં બળતો હતો. પોતાની જાતને ધિક્કારતો હતો. પોતાના ધરતી પરના અવતરણને લાત મારતો હતો. પોતાની જિંદગી પર થુંકતો હતો. માત્ર પાપના પોટલા માથે લઈને ચાલતો હોય તેવો ભાર જણાતો હતો. તેને હળવું કરવા માટે તેણે રોહન અને સ્નેહાને પત્ર લખ્યા.
*****
સ્નેહા અને રોહન,
હું સ્વીકારું છું કે આજ સુધીના તમને બંનેની જિંદગીને ખેદાન-મેદાન કરી નાંખવા માટેના દરેક ષડ્યંત્રનો હું ભાગ હતો. પરંતુ, તમારી બંનેની સમક્ષ શબ્દ બનીને મારા આંસુઓ પત્ર સ્વરૂપે પશ્ચાતાપની નદી લઈને આવ્યા છે. જીવન શું છે? તે મને નાનપણથી જ ખબર નથી. આ આંબામાં લાગણીનું સિંચન જ નહોતું થયું, તેથી મીઠી કેરી પાકી જ નહિ. જેથી માત્ર તિરસ્કાર, ધ્રુણા અને બદલાની ભાવના સાથે જ હું જીવતો હતો. જે મને ગમે છે, તે મારું કરતો હતો. માનું છું કે, આજે હું સમાજના એક ખદબદતા કીડાની હું જાત છું. છતાં, મને તું ગમવા લાગી. શારીરિક આકર્ષણ હતું કે આત્મિક ? એ ગઈ કાલે હું જાણી શક્યો. આત્મિક સંબંધ તમારો બંનેનો છે.

આટ-આટલી યાતનાઓ આપ્યા પછીયે જો એક થઈને તમે મારો જીવ બચાવતા હોઉં તો તમારા પ્રેમને હવે કોઈની નજર ન લાગે તેની જવાબદારી આજથી હું સ્વીકારું છું. તમારા બંને પર આવનારી દરેક મુશ્કેલીઓનો સામનો પહેલા હું કરીશ. તમારું ઋણ ક્યારેય ચૂકવી નહિ શકું, પરંતુ તમારી બંનેની જિંદગીમાં ફરીને પાછો નહિ આવું. પ્રેમની વ્યાખ્યા શું છે? તે મને આજે સમજાઈ છે. સ્નેહા…! તારું વાક્ય, ‘સિક્કાની એક બાજુ ખોટી હોય તો સિક્કાનું કોઈ મુલ્ય રહેતું નથી.’ એ આજે સમજાય છે. આ દરેક કુકર્મો છોડીને એક સામાન્ય વ્યક્તિ બનીને જીવન પસાર કરવાની સોગંદ લઉં છું. હું સ્નેહ અને પ્રેમની સરવાણી બનીને જરૂરિયાતમંદ લોકો પર ફૂટી નીકળીશ. પીડિત લોકોની જવાબદારીઓ પોતાને માથે લઈશ. જયારે પણ મારી બુદ્ધિ ભ્રષ્ટ થશે અને આ પ્રતિજ્ઞામાંથી પીછેહઠ કરીશ ત્યારે, મને બચાવવા માટે પણ કોઈ ‘આદમ’ અને ‘ઈવ’ હતા એ હંમેશ માટે યાદ રાખીશ.

હૃદયના ઊંડા ખૂણેથી આંસુ સાથે સ્નેહા અને રોહન, તમારી બંનેની માફી માંગું છું. માફ ન કરી શકો તો કઈ નહિ, પરંતુ મને ભૂલી જજો જેથી ભૂતકાળનું આવું બિહામણું સ્વપ્ન પણ ક્યારેય ઊંઘમાં ડરાવે નહિ.
વિષ્ણુ.

— કંદર્પ પટેલ

About શૂન્યતાનું આકાશ

મોટાભાગના ...તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ ...અનુભૂતિઓ ...અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ...! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ ...બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:)

Leave a comment