‘’ આળસ આમાર ગોત્ર “ …અંગત રીતે કહું તો મારા શરીરમાં રક્તકણ સાથે આળસ હળીમળીને રહે છે.એટલે લખવાનો શોખ ખરો પણ આળસને કારણે એ શોખ હજુ સુધી આદતમાં પરિવર્તિત નથી થઇ શક્યો. એવા સમયે આશિષભાઈ અને ખાસ કરીને નીવાબેને આ કિસ્સાનો હિસ્સો બનવા પ્રેમસભર આગ્રહ કર્યો અને એમના લાગણીના હાકલાપડકારાને પરિણામે “ ટાયલા “ ના ખોળીયામાં “ અશ્વસંચાર “ થયો ને જોતજોતામાં કથાકડીની કડીનો ભાગ બની ગયો.
આ કડી આપ સુધી પહોચેલ છે એમાં શ્રી અશ્વિનભાઈના મજબુત માર્ગદર્શનને કેમ અવગણી શકાય? આદરણીય અનસુયાબેને પણ કેટલીક ક્ષતિઓ તરફ અંગુલીનિર્દેશ કર્યો. અને સહિયારા પ્રયાસના ફળસ્વરૂપે લખાણ વંચાણને કાબિલ બન્યું. આ ટીમવર્ક વચ્ચે કથાકડીની દરેક કડી બડી સલામત હતી,છે અને રહેશે.
મારી આવડત અનુસાર મેં શબ્દોનું વાવેતર કરેલ છે. વાચકો વાદળ બની વરસસે એટલે એ ઉગશે એવી ખેડૂતજન્ય શ્રધ્ધા.
કથાક્ડીને થાક કદીએ ના લાગે એવી મનોકામના.
ચાદર કરતા પગ લાંબા ના થઇ જાય એ ન્યાયે કડી કરતા પ્રસ્તાવનાનું કદ ના વધી જાય એ તકેદારી સાથે ધન્યવાદની લાગણી સાથે વિરમું છુ.

received_1048684805142192-1

અચાનક મોસમે મિજાજ બદલ્યો.
વાદળોની સેના અને વીજળીની ધારદાર તલવારના સથવારે આકાશે જાણે ધરતી પર પોતાનું આધિપત્ય સાબિત કરવાનું હોય એમ અનરાધાર વરસવાનું શરુ કરી દીધું. જળ અને સ્થળનો ભેદ ભૂસી નાખવાના ઝનુન કે ઘમંડ સાથે મેઘરાજાએ રીતસર ચડાઈ કરી. કુદરતી વીજળીના તેજતરાર ચમકાર સામે કૃત્રિમ વિદ્યુત પુરવઠાએ હથિયાર હેઠા મુક્યા ને આ શરણાગતિના પરિણામે અંધકારે જાણે દરેક ઘરમાં અડ્ડો જમાવ્યો.
પોતાના વિશાળ બંગલાના આલીશાન દિવાન ખંડના દિવાન પર બેઠેલ સંયોગ એકલતા અને તનાવ વચ્ચે ભીસાતો હતો. સપના અને સ્નેહા બપોરથી બહાર નીકળી ગયેલ. નાનપણથી જ કડાકા ભડાકા સાથે સંયોગને આડવેર હતું. બહાર પડતો મુશળધાર વરસાદ અંદર બેઠેલ સંયોગને વાગતો હોય એ રીતે ગભરાટ અનુભવી રહેલ. ચહેરા પરની વ્યથા અને ભીતરનો ભય જાણે જોડિયા બાળકો હોય એવું સામ્ય ધરાવતા હતા. અણીના સમયે ઈન્વરટરે પણ દગો દીધો ને અંધકારે બંગલાને અંદર બહારથી ઘેરો ઘાલ્યો.
અચાનક એને યાદ આવે છે કે કાલીચરણતો ઘરમાં હતો. સંયોગે રાડ પાડીને મીણબત્તી પેટાવવાનો હુકમ કર્યો. આમતો મનુ મહારાજ એમના પરિવારના સભ્ય સમાન. રસોઈ પણ બનાવે અને ઘરના નાના મોટા કામ પણ કરે. પણ સંજોગોવસાત એમને પોતાના વતન જવાનું થયું. એવામાં સપનાનો પરિચય કાલીચરણ સાથે થયો. કાલીને કામની અને સપનાને કામવાળાની જરૂર હતી ને બસ સંયોગ ગોઠવાઈ ગયો.
એકવડો બાંધો, મધ્યમ કદ અને વાને કાળા કાલીચરણને ભગવાને મોઢામાં જીભ જ ના આપી હોય એવું ક્યારેક લાગે. પણ એના સરવા કાન અને નરવા અને ગરવા કામને કારણે બહુ ટૂંકા ગાળા માં સંયોગ પરિવારનો એ પણ હિસ્સો બની ગયો હતો.
નમૂનેદાર નકશીકામ થી શોભતા , વજનદાર કાચનું ટોપ ધરવતા ભવ્ય ગોળ ટેબલ પર કાલીચરણ મૂંગા મોઢે પેટાવેલ મીણબત્તી મૂકી ગયો. અસામાજિક તત્વો વચ્ચે ઘેરાયેલ યુવતી પોતાની ઈજ્જત બચાવવા ફફડતા હૈયે હવાતિયા મારે એમ પવનના અડપલા સામે મીણબત્તીની ફફડતી જ્યોતિએ પોતાની ઈજ્જત અને અસ્તિત્વ બચાવવા સંઘર્ષ આદર્યો..
ખબર નહિ કેમ પણ આજે અચાનક સંયોગને ‘’ માસ્તર જી “ યાદ આવી ગયા. ઈચ્છાશંકર ત્રિવેદી, સ્કુલ ટીચર. ગાંધીવાદી,સરળ,સહજ,નીષ્પૃહી છતાં વ્યવહારુ. એમના શબ્દો કાનમાં ગુંજવા લાગ્યા, “ સફળતા મેળવવી હોય તો ક્યારેય અટકતા નહિ. ક્યારેક થાક લાગેતો રોકાજો પણ “ વિસામા “ ને “ મુકામ “ ના બનાવતા, આગળ ધપજો. સફળતા તમને ઘણું સુખ આપશે ને શત્રુ પણ. દોસ્ત અને દુશ્મન વચ્ચેના નીર ક્ષીર તફાવતને પારખતાં શીખજો. જીવન માં ક્યારેક એવો સમય પણ આવશેકે તમારો પડછાયો પણ તમને સવાલ કરશે. સવાલથી ભાગતા નહિ અને દરેકને જવાબ આપતા નહિ. જીવનમાં તમે ઘેરાય જાવ ત્યારે વ્યથિત થઇને વેરાઈ જવાને બદલે લહેરાય જવાનું ખમીર કેળવજોતો જીતશો અને નહીતો વધેરાશો.”
આવુંતો માસ્તરજી ઘણી વખત કહેતા પણ એ સમયે સંયોગ ઉમરના એ પડાવ પર હતો કે બાળપણે હજુ છેડો ફાડ્યો નહોતો અને યુવાનીએ પૂર્ણ રૂપે સ્વીકાર્યો નહોતો. એટલે આ શબ્દોને યાદશક્તિએ જેટલા અપનાવેલા એટલા સમજશક્તિએ નહોતા સમાવેલા. પણ આજે આટલા વર્ષે શબ્દોની આ પોટલી સાથે સમજશક્તિ અને યાદશક્તિ કુષ્ણ સુદામાની જેમ મળી રહ્યા હતા. સંયોગ હવે થોડી હળવાશ અનુભવતો હતો. એને થયું કે ભયને ખતમ કરવાનોને પોતાના કમબેકનો સમય પાકી ગયો છે.
ચૌદ વર્ષની ચારણકન્યા ડાલામથ્થાને ભગાવે એમ મીણબત્તીની જ્યોતે અંધકારને જાકારો આપી દીધો સંયોગના ચહેરા ઉપર પ્રકાશ પથરાયો. થોડા સમય પહેલા પોતાના અસ્તિત્વ માટે આજીજી કરતી જ્યોતમાં અત્યારે નાનકડો સુરજ ઝળહળતો હોય એવું સંયોગે અનુભવ્યું.
*******
આજે સપનાના આનદનો પાર નહોતો.
“ પપ્પાનો બર્થ ડે આવે છે, એમને સરપ્રાઈઝ આપીશું. ખુબ શોપિંગ અને બડી સી પાર્ટી..મમ્મી ક્યાં કહેના?”
સપના સ્નેહાને એકીટશે જોઈ રહી . દીકરી હવે બહુ સમજુ થઇ ગઈ છે એ વાતથી સંતોષ અને આનંદ એની આંખમાંથી વરસી પડ્યા.
“ યસ માય ડોલ, ઘણા સમયે ઘરમાં ઉત્સવ જેવું સેલિબ્રેશન કરીશું…પાર્ટી ટાઇમ “
‘’ મમ્મી હું શોપિંગનું લીસ્ટ બનાવી નાખું. તમારા ખિસ્સા ખાલી કરવાનો આવો મોકો ક્યારે મળવાનો? “
********
“ મોકો “ આમ તો બે અક્ષરનો નાનકડો શબ્દ પણ એનો સાર કેટલો અટપટો. જો મોકો ઝડપાય જાયતો તમે રાજા ને છટકી જાયતો રંક. એક તરફ સંયોગના જન્મદિવસનો “ મોકો “ જોઈ સપના અને સ્નેહા ખોબલે ખોબલે ખુશી વહેચવાના આયોજનમાં મશગુલ હતા ત્યારે એવાજ કોઈક સમયે ગુરુજીના આશ્રમના એક ભવ્ય ખંડમાં સંયોગના જન્મદિવસ પહેલા “ મોકો “ જોઈને સપના અને સ્નેહાના મરણદિનનું કાવતરું “ પ્લાન “ થતું હતું.
*******
“ સપના સંયોગની તાકાત છે તો સ્નેહા સંયોગની કમજોરી. સામેવાળાને પરાસ્ત કરતા પહેલા એની તાકાત અને કમજોરીને ઓળખી લેશો તો અડધો વિજય અવશ્ય મળી જશે. અને મોકો આવે એના પર ઘા કરશો એટલે પૂર્ણ વિજય”
ગુરુજીના કલાત્મક કમરામાં એમના ગુઢ શબ્દોને બીજા છ કાન એકચિત્તે ઝીલતા હતા.
“ રાહુલજી, યશપાલજી હું જાણું છુ કે સંયોગ સપનાનું અસ્તિત્વ તમને આંખમાં કણાની જેમ ખુંચે છે. પણ કોઈને એવી રીતે મિટાવો કે એ આપણી મુશ્કેલી નહિ પણ મિજબાનીનું કારણ બને. એકનો કાયમ માટે અંત લાવો અને ફળસ્વરૂપ બીજો કાયમ અંત માટે તડપે, એને કહેવાય બદલો. જોકે અહી સ્નેહાએ પણ એની માંની સાથે લાંબી યાત્રાએ જવું પડશે પણ શું થાય એજ કદાચ એની નિયતિ હશે. “
કેશર, બાદમથી “ શણગારેલ “ પૌષ્ટિક દૂધનો ઘૂંટડો ગુરુજી એ ગળે ઉતાર્યો. થોડું રોકાયા અને પછી આગળ ચલાવ્યું, “ એક વાત સમજી લેવી, મૃત્યુ જ જીવનનો સૌથી મોટો પડાવ છે અને અંતિમ સત્ય પણ. “
દૂધના કટોરાને તળિયા ઝાટક કરી બાજુમાં જ રહેલ ટીપોઈ પર મુક્યો. લાલ રેશમી કપડાથી મોઢું સાફ કર્યું. પળભર બધા સામે દ્રષ્ટિ કરી, પોતાની વાતને બાકીના બહુ રસપૂર્વક સાંભળી રહ્યા છે એ સંતોષ અનુભવ્યો. હળવો ખોંખારો ખાય શતરંજના કુશળ ખેલાડીની અદાથી આંચકો આપવાના અંદાજથી આગળનું વાક્ય રમતું કર્યું, “ આવનાર સમયમાં બનનારી ઘટનાનું આયોજન શું હશે એના પર સ્વામી પરમપ્રકાશ પ્રકાશ પાડશે. “
ગુરુજીને મળવા એમના કમરામાં જયારે યશપાલ અને રાહુલ દાખલ થયા ત્યારે ગુરુજીની બાજુમાં બેઠેલ બેઠીદડીના, બુધ્ધુ જેવા લગતા સાધુને જોયા. બંનેને નવાઈ અને આંચકો લાગેલ. એમાં પણ ગુરુજીએ, એ અજાણ્યા શખ્સની હાજરીમાં “ મન કી બાત “ કહી દેવાનું જણાવ્યું ત્યારે રાહુલ થી ના રહેવાયું, “ ગુરુજી…” ત્રુટક ત્રુટક વાક્ય આગળ વધે એ પહેલા ગુરુજીએ એને અટકાવ્યો.
“ આપ બન્ને એ જે કઈ કહેવું હોય એ નિસંદેહ જણાવો. આ છે સ્વામી પરમપ્રકાશજી. બિહારમાં ગયા ખાતે આશ્રમના શિલાન્યાસ પ્રસંગે મારી હત્યાનું કાવતરું કોઈએ ઘડેલ ત્યારે સ્વામીજીએ મારો જીવ બચાવેલ. આજે મારી હયાતીનું આધારકાર્ડ આ સ્વામીજી છે “
આજે સ્વામી પરમપ્રકાશ તરીકે પૂજાતાને પુછાતા સ્વામી કોઈ સમયે મંડપ સર્વિસમાં મજુર તરીકે કામ કરતા. પ્રકાશ એનું નામ. બિહારના ગયા ખાતે ગુરુજીના આશ્રમના શિલાન્યાસ પ્રસંગે મંડપ નાખવામાં એક મજુર તરીકે પ્રકાશ પણ હતો. રાતેએ મંડપમાં જ સુઈ રહેતો. રાત્રીના બીજા પ્રહારે અચાનક એની નીંદર ઉડી. મંચ પાસે એને કૈક શંકાસ્પદ હિચચાલ નજરે પડી. કોઈ ઉતાવળ દાખવ્યા વિના એણે એ સમયે સાવધાની વર્તી શાંતિ રાખી. થોડા સમય બાદ પેલા ઓળા અંધારામાં ઓગળી ગયા. ફરી પૂર્વવત શાંતિ સ્થપાઈ. હળવે રહીને પ્રકાશે મંચના માંચડામાં પ્રવેશ કર્યો. પહેલા તો એને કઈ વાંધાજનક ના મળ્યું પણ અચાનક એ સ્તબ્ધ થઇ ગયો. ગુરુજીને મારવા કોઈએ જીવતો બોમ્બ ત્યાં મુકેલો. પ્રકાશે તુરતજ ગુરુજીના અનુયાયીઓને બધી વાત કરી. કેટલાક અનુયાયીઓને તો આ મજુર પરજ શંકા ગઈ. વધુ હોબાળો રોકવા ગુરુજી સ્વયમ પ્રકાશને મળ્યા અને એની વાતચીત ગુરુજીના મનમાં ઉતરી ગઈ. ગુરુજી એવું સ્પષ્ટ પણે માનવા લાગ્યા હતાકે એમના જીવનને બચાવવામાં એક મજૂરે મેજર ભૂમિકા ભજવી. પ્રકાશ ગુરુજીનો પરમ ભક્ત બની ગયો અને જોતજોતામાં એ સ્વામી પરમપ્રકાશ તરીકે ઓળખાવા લાગ્યા.
“ ગુરુજી, આપ તો અજાતશત્રુ છો, આપની હત્યાનું કોઈ કેવી રીતે વિચારી પણ શકે? “ સવાલમાં ખોટી ચિંતા ભેળવી સાચું રહસ્ય પામી લેવાના ઈરાદા સાથે યશપાલ બોલી ઉઠ્યા.
“ મંત્રી મહોદય, એમતો મહાત્મા ગાંધી પણ અજાતશત્રુ જ હતા ને? “ જયારે કોઈ સવાલનો જવાબ ટાળવો હોય ત્યારે સવાલની સામે સવાલથી જવાબ આપવોએ ગુરુજીની ખાસિયત હતી.
“ ગુરુજી, સ્વામીજીએ બહુ ઝડપથી આપનો ભરોસો હાંસિલ કરી લીધો નહિ? “ વ્યંગના લાગે પણ ભરોસાનું કારણ જાણી લેવાની ઉત્સુકતાએ રાહુલે સવાલ કર્યો.
ગુરુજી સમજી ગયાકે ચેલાઓ પરીક્ષા લેવાના મુડમાં આવી ગયા છે. એમણે સિફતથી વાતને મૂળ મુદ્દા તરફ ધકેલી, “ આપણા બધાનો કારોબાર જ એવો છે કે એમાં ક્યાં કશું લેખિત હોય છે? બધું ભરોસા પર તો ટકતું હોય છે આ જુવોને અત્યારે પણ આપણે ભરોસાની સાંકળે જ બંધાયા છીએને? ને આમ પણ મારનાર કરતા બચાવનાર મોટો એવું શાસ્ત્રો પણ કહે છે. “ ગુરુજીએ ખંધા હાસ્ય સાથે વાતનો દોર સ્વામીને સોપ્યો.
“ જાણવા મળ્યું છે કે સંયોગની વર્ષગાંઠ આવી રહી છે. એ પહેલા સપના અને સ્નેહા શોપિંગ કરવા જશે ત્યાં એક ભયંકર બોમ્બ વિસ્ફોટ થશે અને એનો ધડાકો સંયોગના જીવનમાં મોટો ખળભળાટ પેદા કરશે. સહુ એને આતંકવાદી હુમલો જ માની બેસશે. બસ, આપણા સ્વાર્થ ખાતર કરેલ હત્યા આતંકવાદને અપર્ણ. આપણા આ કાવતરાને નામ આપીશું “ઓપરેશન લહું મુહ લગ ગયા.” “
ખંડ માં થોડા સમય માટે સન્નાટો પથરાય ગયો. દરેક પોતપોતાના વિચારમાં ખોવાઈ ગયા . રાહુલ સંયોગને જીવતે જીવ મરતો જોઈ રહ્યો, તો સપન ની એક્ષીટથી યશપાલ પોતે હળવાશ અનુભવશે, એ વિચારથી ખુશ થયો, ગુરુજી પરમપ્રકાશ સામે જોઈ દાઢી પર હાથ પસરાવતાં વિચારતા હતા કે ભરોસો કેવો ને વાત કેવી? પોતાના ખંડમાં મચ્છર પણ ના પ્રવેશે એવી ચોક્કસાઈ રાખતા ગુરુએ મજુરને સ્વામી બનાવ્યો? બહુ સમજી વિચારી સ્વામીને આ કાવતરાનો સુત્રધાર બનાવ્યો હતો. ધારોકે કૈક પણ ઊંચનીચ થાય અને તપાસનો રેલો એમના પગ સુધી આવેતો આ બુધ્ધુને સહેલાયથી “ હોળીનું નારિયેળ “ બનાવી દેવાય. પોતાની દીર્ઘદ્રષ્ટિ પર પોતેજ શાબાશી આપી ઉઠેલ. બરાબર જ સમયે પરમપ્રકાશ બધાથી વિપરિત જ વિચારી રહેલો. એનો બાકીનાને અણસાર પણ ન્હોતો.
*****
આંકડાની અણઘડ સમજ કે આવડત ધરાવતી વ્યક્તિ એક આંકડો લખે પછી ખબર પડે કે એ નહિ કૈક બીજો આંકડો લખવાનો હતો, ને એ પેલા આંકડા ઉપર બીજો આંકડો ઘૂંટે ત્યાં એ પણ ખોટો આંકડો લખાયો હોય એમ ફરી એની ઉપર નવો આંકડો લખે, ને અમુક સમય પછી સાચી રકમ ખુદ લખનાર પણ ના ઉકેલી શકે એવુજ “ કન્ફયુઝન “ વ્યોમાની જીવન પાટી પર સર્જાયેલ. એની બુદ્ધિ એને બે ડગલા આગળ લઇ જતી તો કસમયની ભૂલ પાંચ ડગલા પાછળ. બુદ્ધિ અને લાગણી જયારે ભારોભાર ભરેલ હોય ત્યારે એ વ્યક્તિનું જીવન એક ઉખાણું બની જતું હોય છે. જો કે વ્યોમા માટે આશ્રમ પણ એક ઉખાણું જ હતું. મનની શાંતિ માટે પંદર વર્ષ પહેલા આશ્રમનું શરણ ગોત્યું. બે’ક વર્ષ બાદ એને ગુરુજી અને આશ્રમ રહસ્યમય લાગવા માંડેલ. પણ એ વિચારતી રહી કે કદાચ તપસ્વી આવા ગુઢ જ હોતા હશે. પણ ધીમે ધીમે ગુરુજીનો અસલી ચહેરો કળાવા માંડ્યો. ગુરુજીને પણ એ વાત ની ગંધ આવી ગઈ હતી અને વ્યોમા એના માટે કોયડો બને એ પહેલા એમણે વ્યોમા સાથે મીટીંગ “ ફિક્ષ “ કરેલી.
“ વ્યોમા, હું તપસ્વી નથી એમ લંપટ પણ નથી. અહી સ્ત્રીઓની ઈજ્જત પર ક્યારેય આંચ નહિ આવે. પણ દરેક પ્રકારના ભક્તો એમની સમસ્યાઓ લઇ મારા શરણમાં આવે છે હું એમને માર્ગ ચીંધુ છુ. બસ, એ મારો વ્યવસાય. તું અહી સલામત છે પણ જો ભૂલેચુકે તું હમણાં આશ્રમ છોડીને જઈશ તો અસલામત. સમય આવ્યે વિષ્ણુ અને રાહુલ ને હું તારી ઝોળીમાં મુકીશ એ મારું વચન છે. ને હા એક વાત યાદ રાખજે મને ગાંધીજીના ત્રણ વાંદરા બહુ પ્રિય છે. અહી આશ્રમમાં રહેતી દરેક વ્યક્તિમાં આ ત્રણ વાંદરાઓ વસે છે તું પણ એ જ રાહ અપનાવીશ તો આ તારું ઘર જ છે.
ઘોડાની આગળ ગાજર લટકાવે એમ વ્યોમા આગળ વિષ્ણુ અને રાહુલની લાલચનું ગાજર ગુરુજી એ લટકાવ્યું અને નાછૂટકે વ્યોમાએ પણ એના આચાર વિચારમાં પેલા ત્રણ વાંદરાઓને અપનાવી લીધા. અને આમ પણ શબ્દો થકી સામે વાળાને વશ કે પરવશ કરી દેવા એ તો ગુરુજીની આવડત હતી.
*****
અચાનક સોનાની લગડી મળે ને જે આનદ થાય એવો આનદ આજે દિગ્વિજયસિંહને થતો હતો. છેલ્લા કેટલાક દિવસથી વિચારોના વલોણાં વચ્ચે એમના મગજનું દહીં થઇ ગયું હતું પણ આજે એમને આશાનું કિરણ ફૂટતું દેખાયું. આડત્રીસ જેટલા દેશોમાં જેમનો બીઝનેસ ફેલાયેલો હતો એવા સંયોગ પરિવાર ઉપર જીવનું જોખમ હોવાની એમને પાક્કી બાતમી મળી હતી. આ પરિવાર ઉપર જે ખતરો બની ત્રાટકવાની તૈયારી કરતા હતા એ લોકો સમાજમાં મસીહાની જેમ પૂજાતા હતા. જ્યાં સુધી કોઈ ઠોસ પુરાવાના મળે ત્યાં સુધી કોઈ કાર્યવાહી ના થઇ શકે. એટલે દિવસો સુધી દિગ્વિજયસિંહ લાચાર બની શું માર્ગ કાઢવો એની મથામણમાં હતા. ત્યાં એમણે શતરંજની એ ચાલ ચાલી ને ચાલ કારગત સાબિત થઇ. પોતાના સાથી અધિકારી પ્રકાશ લાલને બનાવટી મજુર બનાવી ગુરુજી પર બનાવટી હુમલાનું નાટક ગોઠવ્યું. મજુર પ્રકાશે ગુરુજીનો જીવ બચાવ્યો, ત્યારબાદ પ્રકાશે ગુરુજીનો વિશ્વાસ જીત્યો, ને સ્વામી પરમપ્રકાશ બનાવી આશ્રમનો હિસ્સો બનાવી એને આશ્રમની અંદર ઘુસાડ્યો.. અહી પણ વિધિના ખેલ કેવા અજબગજબના ગોઠવાયા. ગુરુજીને મન જે પરમપ્રકાશ “ હોળી નું નારિયેળ “ હતો એ જ આવનાર સમયમાં ગુરુજીને બેનકાબ કરવાનો હતો. આ તરફ સંયોગના પરિવારની રજેરજની માહિતી પણ એટલીજ જરૂરી હતી. એમનું રક્ષણ દિગ્વિજયસિંહની જવાબદારી અને ફરજ બન્ને હતા. આમતો ટેકનોલોજીના માહેર પોતે બધીજ માહિતી એકઠી કરી શકે એમ હતા પણ અત્યારે ખેલ ખરાખરીનો હતો. એવા સમયે પોતે કોઈ જોખમ લેવા ન્હોતા માંગતા અને સરવાળે ખુબ વિચારણાને અંતે એમણે અનુભવ ઓછો પણ આવડત માં અવ્વલ એવા એના જુનીયર ઓફિસર કાલીચરણને નોકર બનાવી સપનાના ઘર માં ઘુસાડ્યો. કાલીચરણનું મુખ્ય કામ જ હતું પરિવારની દરેક હરકતોની રજેરજની માહિતી દિગ્વિજયસિંહ અને પરમપ્રકાશને પહોચાડવાનું. આમ પણ આ જાસુસી ન્હોતી, અગમચેતી હતી. આ જુગાર ખેલવો દિગ્વિજયસિંહ માટે અતિ આવશ્યક હતો. કારણ એ જાણતા હતા કે અત્યારે સંયોગ પરિવારમાં “ ગુલામ “ તરીકે પ્રવેશેલ કાલીચરણ એક દિવસ એજ પરિવારની સલામતી માટે “ હુકમ નું પાનું “ બનશે. બસ, એમ “ ઓપરેશન લહું મુહ લગ ગયા “ ની માહિતી મળી અને દિગ્વિજયસિંહ ઝૂમી ઉઠ્યા. સલામતી ખાતર દિગ્વિજયસિંહએ સંયોગના બંગલાની આસપાસ છુપી પોલીસ પણ ગોઠવેલ. પરિવારના કોઇપણ સભ્ય બહાર જાય ત્યારે એમની આસપાસ આ પોલીસ રહેતી જેની કોઈને જાણ સુદ્ધા નહોતી.
ક્યારેક બહુ બુદ્ધિશાળી અને કાબો માણસ વધુ પડતા આત્મવિશ્વાસને કારણે સામાન્ય ભૂલ કરી બેસતો હોય છે. એ કથનીને સાબિતી મળતી હોય એમ આજકાલ પોતાને માનવ ને બદલે ભગવાન સમજતા ગુરુજી ધીરે ધીરે સી.બી.આઈ ની ફેલાવેલી જાળમાં સપડાઈ રહ્યા હતા.
****
બહાર કિરણના સથવારે વાદળોના સામ્રાજ્યને ભેદીને સુરજે પુનઃ પોતાની સત્તા સ્થાપી દીધી. દિગ્વિજયસિંહના રૂમની બારીમાંથી હળવેકથી સુરજના પ્રકાશે ડોકિયું કરી ઉજાસ ફેલાવ્યો. નામચીન ચહેરાઓ ટૂંક સમયમાં બેનકાબ થવા જઈ રહ્યા છે એ વિચારે બહુ લાંબા સમયે દિગ્વિજયસિંહના ચહેરા પર સ્મિત ચમકી ઉઠ્યું.

— રક્ષિત વસાવડા

About શૂન્યતાનું આકાશ

મોટાભાગના ...તમારા જેવી જ એક સામાન્ય વ્યક્તિ એટલે હું ..!!!! કોઈ વિશેષ યોગ્યતા કે અભ્યાસ વગર તમને પણ આવે એવા વિચારો .અનુભવાતી લાગણીઓ ...અનુભૂતિઓ ...અને એ દ્વારા પાંખો ફેલાવવાની મોકળાશ એટલે શૂન્યતાનું આકાશ...! આપણો સહવાસ ..સહકાર અને સ્નેહ ...બસ આટલું તો ઈચ્છી જ શકાય ..:)

એક પ્રતિભાવ »

  1. Ashwin Majithia કહે છે:

    the plot of the story seems to be given a totally unexpected twist resulting in freshening the interest of the readers to a great extend. Imagination of events alongwith the richness in language, makes this episode worth reading it again n again..lovely work rakshitbhai

    Liked by 1 person

Leave a comment