ગુજરાતી ભાષાના અતિસમર્થ લેખક જે ઇતિહાસ આધારિત નવલકથાઓ માટે અવ્વલનંબરે ગણાય છે તે ગુણવંતરાય આચાર્ય (ઇ.સ. ૧૯૦૦ થી ૧૯૬૫) ની એક અત્યંત રસપ્રદ નવલકથા – સામંતસિંહ બિહોલા – કે જે મારવાડ, મેવાડ અને ગુજરાતની પૃષ્ઠભૂમીમાં વહે છે. તેની પ્રસ્તાવનામાં કેટલીક રસપ્રદ વાતો વાંચી જે આજના જમાનામાં પણ કેટલી પ્રસ્તુત છે!! તેથી શૅર કરવાનું મન થાય છે. આ નવલકથા ૧૯૬૪ના મે મહિનામાં પ્રથમવાર પ્રગટ થઈ હતી અને શ્રીગુણવંતરાયે પ્રસ્તાવના પણ તે જ સમયે કે પછી તેના થોડા મહિના પહેલા લખી હશે. અક્ષરશ: પ્રસ્તુત ….
… … …
ઈતિહાસને માટે આજે પ્રચલિત છે એના કરતાં મારી દ્રષ્ટિ જુદી છે. જ્યારથી દેશના તત્કાલિન રાજકારણમાં હિંદુ-મુસલમાન વૈમનસ્ય અને હિંદુ-મુસલમાન એકતાનો પવન ફૂંકાયોા છે ત્યારથી રાજ કરનારાઓ અને રાજ કરનારાના હિમાયતીઓએ એમની વિસમી સદીની એ વાતનાં ભૂતકાળના ઇતિહાસ ઉપર પડછાયો નાંખવામાં મણા નથી રાખી.
એમણે હિંદુ-મુસલમાન એકતાને નામે આ દેશ ઉપર જ્યારે જ્યારે જ્યાં જ્યાં મુસ્લિમ સલ્તનતો થઈ ત્યાં ત્યાં એમને સ્વદેશી જ ગણાવી છે. એટલે એના વિરોધના તમામ પ્રયાસોને એમણે નથી મહત્વ આપ્યુ, નથી એના ગુણદોષ જોયા. એ મુસ્લિમ સલ્તનતોના અત્યાચારો ને જુલમો સામે આંખ આડા કાન કર્યા છે. અને જ્યાં અતિ પ્રબળ જનમતે એમને મહારાણા પ્રતાપ કે છત્રપતિ શિવાજીમહારાજ અજેવાની વીરનોંધ લેવાને અણગમતી ફરજ નથી પાડી તે સિવાય બીજા બધાઓને બળવાખોરો, સામંતશાહીમાં માનનારાઓ એમ કહીને વગોવી નહિં તો ઉવેખી કઢ્યા છે.
એમના મંતવ્યનું એક વિચિત્ર પરિણામ આવ્યું છે. એમનો દાવો હવે એમનાં પોતાનાં જ મંતવ્યોનો વિરોધી થયો છે. આ દેશ ક્યારેય એક હતો જ નહિં. ક્યારેય સામંતશાહીની ચૂડમાંથી પાક્યો ન હતો. અમે જ એને એક કર્યો છે. અમે જ એને આઝાદી અપાવી છે.
હકિકત આથી સદંતા વેગળી છે. આઝાદીની લડત કાંઈ મહાત્મા ગાંધીજીએ જે પહેલવહેલી શરૂ કરી નહોતી, એ તો સતત મુસલમાનો આ દેશમાં આવ્યા ત્યારથી અવિરત આવી જ રહી છે.
ઈડર, ખુશરૂખાન ગુજરાતી, તઘી મોચી, વિજયનગર, સાણા સંગ, રાણા પ્રતાપ, રાણા રાજસિંહ, છત્રપતિ શિવાજી મહારાજ, બાજીરાવ પેશ્વા, નાનાસાહેબ….. એક પછી એક વીરે આ મશાલ જીવતી જ રાખી છે, ને એમના એ અણનમ જંગોમાં એમને સામાન્ય માનવીઓનો સાથ મળ્યો છે. સામાન્ય માનવીઓએ બલિદાન આપ્યા છે.
એ હજાર વર્ષના ઇતિહાસનો એક વાક્યમાં સાર કહેવો હોય તો કહી શકાય કે ભારતને મોટા નામધારીઓએ સદાય છેહ દીધો છે ને સામાન્ય માનવીઓએ સદાય બલિદાન આપ્યા છે.
મને પોતાને ઇતિહાસમાં મોટાં નામે ગમતાં નથી. એમના વૈભવની વાતો ગમતી નથી. એમની જાહોજલાલીની વાતો ગમતી નથી. પરંતુ એમની આસપાસ જે સામાન્ય માનવીઓ ફરતાં હતાં એમની જ વાતો ગમે છે. એવી વાતો હું શોધું છું. એવી વાતો મેળવવા માટે મારો સદાય પ્રયત્ન રહ્યો છે.
… … … …
… … … …
નાત અને જાત તરફનો વિરોધ બતાવવો અને વિરોધ ઉચ્ચારવો એ આજકાલની ફેશન થઈ પડી છે. એને ‘સેક્યુલારીઝમ’ની હિમાયતના અંગ તરીકે ગણવામાં આવે છે.
અને એમ છતાં ભૂતકાળના સ્વાધીનતાના હજાર વર્ષના સતત પુરુષાર્થમાં નાતોએ કેવો ભાગ ભજવ્યો છે ! તઘી મોચીની પાછળ આખી મોચીની નાત નીકળે, ખુશરૂ ગુાજરાતીની પાછળ ગુજરાતના હરિજન માત્ર હમદર્દી બતાવે, ગુજ્જર કુંભારની પાછળ સમસ્ત કુંભારની નાત જમા થાય… અલ્લાઉદ્દીન ખીલજીએ જીતેલા ગુજરાતમાં અલ્લાઉદ્દીન ખીલજીના શાસન સામે સતત સક્રિય વિરોધ હોય તો નવનારનો. -નવનાર એટલે વસવાયાં -મોચી, સુથાર, લુહાર, દરજી વગેરેનો.
… … … …
… … … …
પરદેશી રાજકર્તાઓને કાઢીને એમની રાજરીત ને રાજકળશ જાળવી રાખવાની આજની ભારતની તવારીખનાં સંદર્ભમાં વિચિત્ર લાગે એવી વાત આજ રાજકારણના રંગમંચ ઉપર છે. એને કારણે ઇતિહાસ ઉપર પણ નવા વાઘા પહેરાવવાની મથામણ થાય છે. એ નવા વાઘાનો એક પ્રત્યક્ષ પુરાવો આજની સરકારે પ્રગટ કરેલો – ‘૫૭નો ઇતિહાસ. -જેમાં નાનાસાહેબ લાલચુ હતો, ઝાંસીની રાણી તો માત્ર પોતાની ગાદી માટે જ મેદાને પડી હતી.. બહાદુરતો માત્ર કંપનીના સરદારો-ને એમાંય મહા બહાદુર હતો નરપિશાચ નીકોલસન. – જે માણસનો નિજાનંદ રસ્તે ચાલતા નિર્દોષ રાહદારીઓને પકડી પકડી તોપને મોઢે બાંધીને ઉડાવી દેવાનો.
… … … …
અહિં મેં કેટલાક અંશમાત્ર રજૂ કર્યા છે; પ્રસ્તાવના અને નવલકથામાં તો ઘણું બધું છે કે જેના લીધે આપણને ભારતની હજારો વર્ષની પરંપરાઓ, સુસંગઠીત સમાજ વ્યવસ્થા, રાજકર્તાઓની નીતિ, પ્રજા પ્રત્યેની તેમની જાગરૂકતા, સામાન્ય માનવીઓની ઝીંદાદીલી અને ધર્મનું રાજ સાચા અર્થમાં પ્રસરેલું જોવા મળે. તેમણે જ તેમના પુસ્તકમાં લખેલું છે તેમ; આપણને કાંઈ આવડતું જ નથી; આપણામાં અક્કલ અંગ્રેજોએ જ આણી અને ઝનૂનના પાઠ મુસ્લિમોએ જ શિખવ્યા તેવું જે માનતા હોય તેમને માટે મારી આ પોસ્ટ નથી. તે ઉપરાંત તેમણે તત્કાલીન કૉંગ્રેસી સરકારનો એક વરવો ચહેરો પણ ખુલ્લો પાડ્યો છે – જેણે આપણા ઇતિહાસ સાથે બહુ જ ભયંકર પ્રકારના ચેડાં કર્યા છે અને અંગ્રેજ-કૉંગ્રેસી માનસથી ગ્રસ્ત થઈને ભારતિય પ્રજાને હીણી ચીતરવામાં પાછી પાની નથી કરી. મારી વિનંતિ છે દરેક મિત્રોને કે ગુણવંતરાય આચાર્ય અને તેના જેવા ઇતિહાસમૂલક લેખકોને ખૂબ-ખૂબ વાંચો અને ઇતિહાસનો હ્રાસ કરનારાને ખુલ્લા પાડવાનો પ્રયત્ન કરો.
— વત્સલ ઠક્કર